Site icon Revoi.in

ભારત જોડો યાત્રામાં રાહુલ ગાંધીએ અનેકવાર સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કર્યું: CRPF

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસે ગૃહ મંત્રાલયને પત્ર લખીને માંગ કરી હતી કે ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીની સુરક્ષા વધુ મજબૂત કરવામાં આવે. હવે આ અંગે CRPF તરફથી જવાબ આપવામાં આવ્યો છે. કોંગ્રેસના પત્રના જવાબમાં અર્ધલશ્કરી સુરક્ષા દળે કહ્યું કે, 2020થી અત્યાર સુધીમાં ખુદ રાહુલ ગાંધી દ્વારા 113 વખત સુરક્ષા કોર્ડન તોડીને નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં CRPFએ કહ્યું કે, રાહુલ ગાંધીની સુરક્ષામાં સમગ્ર પ્રોટોકોલનું પાલન કરવામાં આવે છે. તેમને Z પ્લસ સુરક્ષા આપવામાં આવી છે અને તેના માપદંડો અનુસાર કોઈ કસર બાકી નથી, પરંતુ રાહુલ ગાંધી પોતે ઘણી વખત સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરી ચુક્યા છે અને લોકોને મળવા માટે બહાર નીકળ્યા છે.

ગૃહ મંત્રાલયે કોંગ્રેસના પત્ર પર સીઆરપીએફ પાસેથી જવાબ માંગ્યો હતો. આના પર CRPFએ ગૃહ મંત્રાલયને આપેલા જવાબમાં રાહુલ ગાંધી પર સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીની સુરક્ષા CRPF દ્વારા પુરી પાડવામાં આવે છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલ તરફથી બુધવારે ગૃહમંત્રી અમિત શાહના નામે એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે, ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધી અને અન્ય મુસાફરોની સુરક્ષામાં ઘણી વખત ક્ષતિ રહી છે.

એટલું જ નહીં, કોંગ્રેસ નેતા દ્વારા લખવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે એજન્સીઓ પ્રતિષ્ઠિત હસ્તીઓને યાત્રામાં ભાગ લેવાથી રોકી રહી છે. આ ઉપરાંત તેમાં આવતા લોકોની લાંબી પૂછપરછ પણ કરવામાં આવે છે. રાજીવ ગાંધી અને ઈન્દિરા ગાંધીની હત્યાનો ઉલ્લેખ કરતાં કોંગ્રેસે કહ્યું હતું કે, આ યાત્રા હવે આગામી તબક્કામાં પંજાબ અને જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ રાજ્યોમાં પહોંચવાની છે. આવી સ્થિતિમાં, વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરવી વધુ સારું રહેશે. તેમણે એવી પણ સલાહ આપી કે સરકારે આવી બાબતોમાં બદલાની રાજનીતિથી દૂર રહેવું જોઈએ અને પોતાની ફરજ નિભાવવી જોઈએ.

CRPFએ પણ દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થામાં ક્ષતિઓના આરોપોનો જવાબ આપ્યો છે. CRPFનું કહેવું છે કે, દિલ્હી પોલીસને પહેલાથી જ પૂરતી સુરક્ષા માટે કહેવામાં આવ્યું હતું. અર્ધલશ્કરી દળના સૂત્રએ કહ્યું કે, રાહુલ ગાંધીની સુરક્ષા વ્યવસ્થા માટે હંમેશા નક્કર વ્યવસ્થા કરવામાં આવે છે. તે પોતે ઘણી વખત નિયમોનો ભંગ કરે છે. CRPFએ કહ્યું કે ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીએ નિયમો તોડ્યા છે. આ અંગે તેમને પણ જણાવવામાં આવ્યું છે. સુરક્ષા એજન્સીએ સ્પષ્ટ કહ્યું કે 2020થી અત્યાર સુધી કુલ 113 વખત આવું બન્યું છે, જ્યારે રાહુલ ગાંધીએ નિયમો તોડ્યા હતા.