ભોપાલઃ ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણએ કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. મહાત્મા ગાંધીજી આઝાદી બાદ કહ્યું કે, કોંગ્રેસને ભંગ કરી દેવી જોઈ અને નવી રાજકીય પાર્ટી બનાવવી જોઈએ, પરંતુ જવાહરલાલ નહેરુએ સત્તાના સ્વાર્થના કારણોસર કોંગ્રેસને ભંગ ના કરી અને આંદોલનનો લાભ ઉઠાવ્યો હતો. જો કે, રાહુલ ગાંધી મહાત્મા ગાંધીજીના અભિપ્રાયને અનુસરીને કોંગ્રેસને પૂર્ણ રીતે ખતમ કરીને શાંતિથી શ્વાસ લેશે. કોંગ્રેસના તમામ નેતા દિશાહીન નેતૃત્વથી થાકી ચુક્યાં છે અને કોંગ્રેસ ખતમ થવા ઉપર આવી ગયું છે.
પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ખડગેજી સચાઈ કડવી હોય છે પરંતુ સાંભળવી જોઈએ. રાહુલ ગાંધી અને તેમના નેતૃત્વમાં કોંગ્રેસ ચૂંટણીઓ હારી રહી છે. 2013થી અત્યાર સુધીમાં કોંગ્રેસ લગભગ 50 જેટલી ચૂંટણી હારી ચુક્યું છે. કેટલાક પૂર્વ મુખ્યમંત્રી અને સિનિયર નેતા કોંગ્રેસ છોડી ચુક્યાં છે. આંગળીઓ ઉપર ગણતરી કરતા રહો પરંતુ એવો સમય ના આવે પાર્ટીમાં કોઈ નેતા જ ના હોય. તમે, તમારી પાર્ટી અને તમારા નેતાઓએ ક્યારેય જનભાવનાઓનું સમ્માન કર્યું નથી. જ્યારે સમગ્ર દેશ રામલલાની ભક્તિમાં ડુબ્યો હતો ત્યારે કોંગ્રેસે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ પણ સ્વિકારવાનો ઈન્કાર કર્યો હતો. સનાતન ધર્મ અને પ્રભૂ શ્રીરામ પ્રત્યેનું આપનું વલણ પાર્ટીની પરિસ્થિતિનું કારણ છે. ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે અને જે પોતાના માટે નહીં પરંતુ અંત્યોદયની ભાવના સાથે સમાજ સેવા કરે છે અને આ જ સેવાનો ભાવ ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાને અલગ બનાવે છે.