Site icon Revoi.in

લંડનમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનના પડઘા સંસદમાં પડ્યાં, ભાજપના નેતાઓએ રાહુલ ગાંધી ઉપર કર્યાં આકરા પ્રહાર

Social Share

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના નિવેદન પર સંસદમાં હોબાળો થયો હતો. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં પોતાના સંબોધન દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, સંસદમાં વિપક્ષનું માઈક બંધ કરી દેવામાં આવે છે. રાહુલ ગાંધીના આ નિવેદનની રક્ષા મંત્રી રાજનાથ સિંહે નિંદા કરી હતી. તેમજ રાજનાથ સિંહે ગૃહમાં રાહુલ ગાંધી પાસેથી માફી માંગવાની માંગ કરી હતી. બ્રિટનમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને પગલે ભાજપના નેતાઓએ સંસદમાં રાહુલ ગાંધી અને કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યાં હતા.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે રાહુલ ગાંધીના નિવેદન પર કહ્યું કે, દરેકે નિંદા કરવી જોઈએ. તેમણે કહ્યું, “આ ગૃહના સભ્ય રાહુલ ગાંધીએ લંડનમાં ભારતનું અપમાન કર્યું છે. હું માંગ કરું છું કે આ ગૃહના તમામ સભ્યો દ્વારા તેમના નિવેદનોની નિંદા કરવી જોઈએ અને તેમને ગૃહ સમક્ષ માફી માંગવા માટે કહેવામાં આવે.”

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ રાહુલ ગાંધી પ્રહાર કરતા કહ્યું હતું કે,“એક અગ્રણી વિપક્ષી નેતા વિદેશમાં જઈને ભારતીય લોકશાહી પર હુમલો કરે છે. તેમણે ભારતની જનતા અને સંસદનું અપમાન કર્યું છે. ભારતમાં બોલવાની સ્વતંત્રતા છે અને સાંસદો સંસદમાં બોલી શકે છે. રાહુલ ગાંધીએ સંસદમાં માફી માંગવી જોઈએ. અમે માંગ કરીએ છીએ કે, રાહુલ ગાંધીએ સંસદમાં આવીને દેશની જનતા અને ગૃહની માફી માંગવી જોઈએ.

ભાજપના સિનિયર નેતા ગિરિરાજ સિંહે કહ્યું કે રાહુલ ગાંધી સામે રાજદ્રોહનો કેસ દાખલ થવો જોઈએ. ગિરિરાજ સિંહે કહ્યું, “લંડનમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, સાંસદોને સંસદમાં બોલવાની મંજૂરી નથી. આ લોકસભાનું અપમાન છે. આ નિવેદન પર ગૃહના અધ્યક્ષે તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. આપણી લોકશાહીનું અપમાન કરવા બદલ તેના પર રાજદ્રોહનો કેસ થવો જોઈએ.” કોંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભા સાંસદ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે દેશને મનસ્વી રીતે ચલાવવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, “મોદી શાસનમાં લોકશાહી કચડી રહી છે.

(Photo-File)