Site icon Revoi.in

અરવલ્લી અને સાબરકાંઠામાં વરસાદને લીધે ખેતી પાકને નુકશાન, હાઈવે પર ધૂમ્મસ છવાયું

Social Share

મોડાસાઃ ચોમાસાની વિદાય લેવાના ટાણે જ અરવલ્લી અને સાબરકાંઠાના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડતા ખરીફ પાકને નુકશાન થતાં ખેડુતો ચિંતિત બન્યા છે. અરવલ્લી જિલ્લાના તમામ તાલુકાઓમાં ઓછાવત્તા અંશે વરસાદ ખાબક્યો છે. બપોર બાદ એકાએક યાત્રાધામ શામળાજી તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો છે. શામળાજી મંદિર તરફ જવાના રસ્તે પાણી ભરાયા હતા. તેમજ નેશનલ હાઇવે રોડ પર પણ ધોધમાર વરસાદને લઈ અંધકાર જોવા મળ્યો હતો. વાહનચાલકોને દિવસે લાઈટો ચાલુ રાખવાની ફરજ પડી હતી. ઉપરાંત  સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ તાલુકામાં વરસાદને કારણે ડાંગરના પાકને નુકશાન થયાનું ખેડુતો કહી રહ્યા છે.

ગુજરાતમાં સોમાસુ વિદાય લઈ રહ્યાની રાજ્યના હવામાન વિભાગે જાહેરાત પણ કરી હતી પરંતુ બંગાળની ખાડીમાં સર્જાયેલા હળવા દબાણને કારણે ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. અને અરવલ્લી અને સાબરકાંઠી જિલ્લામાં વરસાદ પડતા ખેતીના પાકને નુકશાન થયું છે. આ બન્ને જિલ્લાઓમાં વરસાદી માહોલ છેલ્લા ત્રણેક દિવસથી જોવા મળી રહ્યો છે. બંને જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસવાને લઈ મુશ્કેલીઓ સર્જાઈ છે. ખાસ કરીને મગફળી અને ડાંગરનુ ઉત્પાદન કરતા ખેડૂતોને સમસ્યા સર્જાઈ છે. ખેડૂતો માટે હાલમાં પાકને લણવાનો સમય છે. જે મુજબ અનેક ખેડૂતોનો મગફળીનો પાક ખુલ્લો ખેતરમાં છે, એવા સમયે જ વરસાદ વરસ્યો  છે. પવન સાથે વરસાદને લઈ ડાંગરના પાકનો પણ સોથ વળી ગયો છે.

સાબરકાંઠા જિલ્લાના પ્રાતિજ તાલુકાનો વિસ્તાર ડાંગરના પાકનુ મબલક ઉત્પાદન કરે છે. અહીંની સલાલની ડાંગર જાણિતી છે, ખેડૂતો સારી ગુણવત્તાની ડાંગરનુ ઉત્પાદન કરતા હોય છે. સલાલથી જાણીતી ડાંગરનુ ઉત્પાદન પ્રાંતિજ આસપાસના સોનાસણ, રસુલપુર, પોગલુ, પલ્લાચર, અમિનપુર અને વદરાડ સહિતના પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતો ખેતી કરતા હોય છે. અંદાજે 6400 હેક્ટર વિસ્તારમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. હાલમાં પાછોતરા વરસાદને લઈ ડાંગરનુ ઉત્પાદન કરતા ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે. વરસાદ અને પવનને લઈ ડાંગરના પાકનો સોથ વળી ગયેલો જોવા મળી રહ્યો છે. ડાંગરનો પાક ખેતરમાં જ નમી પડ્યો છે અને જેને લઈ ડાંગરના પાકની ગુણવત્તાને અસર પહોંચશે, તો કેટલોક પાક નિષ્ફળ જવાની ભીતી પણ સેવાઈ રહી છે. ઘણાખરા ખેડૂતોએ મગફળીનો પાક લણવાની શરુઆત કરી દીધી હતી. અનેક ખેડૂતોએ મગફળીને ઉપાડી લીધી હતી. ખેતરમાં ખુલ્લો પાક હોવા દરમિયાન જ વાતાવરણ પલટાયુ છે. આમ અનેક ખેડૂતોને ખુલ્લી મગફળી પલળી જવાને લઈ પાકની ગુણવત્તાને અસર પહોંચી હોવાની ચિંતા સતાવી રહી છે. વળી, મગફળી કાળી પડી જવાને લઈ ભાવ પણ ઓછા મળવાની ભીતી સેવાઈ રહી છે.