Site icon Revoi.in

રાજસ્થાનઃ ભાજપા સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ, 22 મંત્રીઓએ શપથગ્રહણ કર્યાં

Social Share

જયપુરઃ રાજસ્થાનમાં ભાજપના મુખ્યમંત્રી ભજનલાલ શર્માની સરકારનું આજે શનિવારે વિસ્તરણ કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ 12 કેબિનેટ, પાંચ રાજ્યમંત્રીઓ (સ્વતંત્ર હવાલો) અને પાંચ રાજ્યમંત્રીઓને શપથ લેવડાવ્યાં હતા. આજે શપથગ્રહણ કરનારા 22 મંત્રીઓને આગામી દિવસોમાં ખાતાની વહેંચણી કરવામાં આવશે.

સુત્રોના જણાવ્યા અનુસાર રાજસ્થાનની ભાજપ સરકારના કેબિનેટ મંત્રી તરીકે કિરોડીલાલ મીણા, ગજેન્દ્ર સિંહ મીણા, રાજ્યવર્ધન સિંહ રાઠોડ, બાબુલાલ ખરાડી, મદન દિલાવર, જોગારામ પટેલ, સુરેશસિંહ રાવત, અવિનાશ ગેહલોત, જોરારામ કુમાવત, હેમંત મીણા, કન્હૈયાલાલ ચૌધરી, સુમિત ગોદારાએ શપથગ્રહણ કર્યાં હતા. આ ઉપરાંત રાજ્ય મંત્રી (સ્વતંત્ર હવાલો) તરીકે સંજય શર્મા, ગૌતમ કુમાર ડીસી, ઝાબર સિંહ ખર્રા, સુરેન્દ્ર પાલ ટીટી, હીરાલાલ નાગર શપથ લીધા હતા. તેમજ રાજ્ય મંત્રી તરીકે ઓટારામ દેવાસી, વિજય સિંહ ચૌધરી, મંજુ બાઘમાર, કેકે વિશ્નોઈ, જવાહર સિંહ બેઢમએ શપથ લીધા હતા. મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને બે ડેપ્યુટી સીએમ સહિત સરકારમાં મંત્રીઓની સંખ્યા હવે 25 થઈ ગઈ છે. ક્વોટા પ્રમાણે રાજસ્થાનમાં 30 મંત્રી બની શકે છે, હવે 5 મંત્રીઓની જગ્યા ખાલી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજસ્થાનમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજ્ય થયો હતો. ભાજપાની ભવ્ય જીત બાદ રાજસ્થાનમાં સીએમની પસંદગી માટે લંબાણપૂર્વકની ચર્ચા કરવામાં આવી હતી. અંતે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભજનલાલ શર્માની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત બે ડેપ્યુટી સીએમ તરીકે પસંદગી કરવામાં આવી હતી. જે બાદ આજે પ્રથમવાર મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.