Site icon Revoi.in

રાજકોટ એઇમ્સઃ ઇન્ડોર હોસ્પિટલ બ્લોક અને એકેડેમી બ્લોકને અગ્રતાના ધોરણે પૂર્ણ કરવા તાકીદ

Social Share

અમદાવાદઃ રાજકોટના પરાપીપળીયા પાસે નિર્માણધીન એઇમ્સ હોસ્પિટલની નવનિયુક્ત કલેક્ટર પ્રભવ જોશીએ સ્થળ મુલાકાત કરી કામગીરી અંગે સમીક્ષા બેઠક યોજી હતી. એઇમ્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. સી. ડી. એસ. કટોચ તેમજ ડેપ્યુટી ડાયરેક્ટર પુનિત અરોરાએ પ્રેઝન્ટેશન દ્વારા એઇમ્સ પ્રોજેક્ટની સિવિલ વર્ક, એકેડેમિક, સ્ટાફ રિક્રુટમેન્ટ, સાધનોની ખરીદીની પ્રવર્તમાન પરિસ્થિતિની રૂપરેખા પૂરી પાડી હતી઼.

હાલ એઇમ્સ ખાતે ઓ.પી.ડી. તેમજ ઈ-ટેલી મેડિસિન સેવા ચાલુ છે, જેનો અત્યાર સુધી એક લાખ જેટલા દર્દીઓએ લાભ લીધેલો છે. આ સાથે યુ.જી. હોસ્ટેલ કિચન અને ડાઇનિંગ સેવાનો 140 જેટલા વિદ્યાર્થીઓ લાભ લઈ રહ્યા છે. એકેડેમિક બ્લોક તેમજ ઇન્ડોર હોસ્પિટલ બ્લોકસની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે માટે અગ્રતાના ધોરણે તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વિવિધ વિભાગના અધિકારીઓ, ઇજનેરોની ઉપસ્થિતિમાં આયોજિત સમીક્ષા બેઠકમાં કલેકટર પ્રભવ જોશીએ એઇમ્સ હોસ્પિટલ જમીન સર્વે, ઇમ્પ્લિમેન્ટેશન, સહિતની કામગીરીમાં ઇન્વોલમેન્ટ રહેલું હોઈ આ પ્રોજેક્ટ્સ સાથે તેઓ વિશિષ્ઠ લાગણીથી જોડાયેલા હોવાનું જણાવી વહેલી તકે એઇમ્સ હોસ્પિટલ ફૂલ ફ્લેજમાં કાર્યરત બને તે માટે કન્સ્ટ્રક્શન કંપનીના અધિકારીઓને સિવિલ વર્ક નિયત સમયમાં પૂર્ણ થાય તે માટે ખાસ તાકીદ કરી હતી.

કલેકટરએ એઈમ્સ હોસ્પિટલમાં પ્લાન્ટેશન દ્વારા ગ્રીન ફિલ્ડ બનાવવા પર ખાસ ભાર મુક્યો હતો. એઇમ્સ સાથે કનેક્ટીવીટી માટે એસ.ટી. બસ સેવાને પુનઃ શરૂ કરવા તેઓએ સૂચન કર્યું હતું. ખંઢેરી સ્ટેશન રેલ કનેક્ટિવિટી માટે આનુસંગિક કામગીરી પુરી કરવા વિવિધ અધિકારીઓને સૂચના આપી હતી.