Site icon Revoi.in

પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખી મુદ્દે રાજનાથ સિંહે મમતા બેનર્જીને લખ્યો પત્ર

Social Share

દિલ્હીઃ પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીનો સ્વિકાર કરવામાં આવ્યો નહીં હોવાથી રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને તેને ફરીથી સામેલ કરવાની માંગ કરી હતી. હવે રક્ષા મંત્રી રાજનાથ સિંહે બંગાળના સીએમને પત્ર લખીને જવાબ આપ્યો છે.

રાજનાથ સિંહે મુખ્યમંત્રી મમતા બેનર્જીને પત્ર લખીને જણાવ્યું હતું કે, આ વખતે 29 રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના પ્રસ્તાવોમાંથી 12ને મંજૂરી આપવામાં આવી છે. વાસ્તવમાં, મમતાએ સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાન પર આધારિત પશ્ચિમ બંગાળની ઝાંખીને નકારવા પર આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે સૂચિત ઝાંખી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જન્મજયંતિ પર તેમની અને આઝાદ હિંદ ફોજના યોગદાનની યાદમાં બનાવવામાં આવી હતી.

રાજનાથ સિંહે પત્રમાં લખ્યું છે કે, ‘આ અમારી સરકારે 1943માં નેતાજીના નૈતૃત્વમાં બનેલી નિર્વાસિત સરકારની 75મી વર્ષગાંટ 2018માં ભવ્ય રીતે ઉજવી હતી અને આઝાદ હિંદ ફોજના જીવિત લડવૈયાઓને પ્રજાસત્તાક દિવસમાં સામેલ કરીને સન્માનિત કર્યા હતા. CPWDની ઝાંખી પણ નેતાજી સુભાષ ચંદ્ર બોઝને તેમની 125મી જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. આ એ વાતની સાક્ષી છે કે દેશ મહાન નેતા સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિને મહત્વ આપી રહ્યું છે. એટલું જ નહીં પીએમ નરેન્દ્ર મોદીએ 23 જાન્યુઆરીએ નેતાજીના જન્મદિવસને ‘પરાક્રમ દિવસ’ તરીકે જાહેર કર્યો છે. હવે દર વખતે પ્રજાસત્તાક દિવસની ઉજવણી નેતાજીના જન્મદિવસ 23મી જાન્યુઆરીથી શરૂ થશે અને 30મી જાન્યુઆરીએ સમાપ્ત થશે.

રાજનાથે વધુમાં જણાવ્યું હતું કે, પરેડમાં ભાગ લેનાર ઝાંખીઓની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ પારદર્શક છે. કલા, સંસ્કૃતિ, સંગીત અને નૃત્યના પ્રતિષ્ઠિત વિદ્વાનોની સમિતિ મૂલ્યાંકનના અનેક રાઉન્ડ પછી રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને મોકલવામાં આવેલી દરખાસ્તોની ભલામણ કરે છે. આ પ્રક્રિયા હેઠળ, 2016, 2017, 2019 અને 2021 માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં પશ્ચિમ બંગાળની ઝાંખીએ ભાગ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્ર સરકારને પત્ર લખીને કહ્યું હતું કે, પ્રસ્તાવિત ઝાંખી નેતાજી સુભાષ ચંદ્ર બોઝની 125મી જ્યંતિ વર્ષ ઉપર તેમના અને આઝાદ હિન્દ ફોજના યોગદાનની સ્મૃતિમાં બનાવવામાં આવી હતી. તેમજ મમતા બેનર્જીએ ફરીથી તેને સામેલ કરવાની વિનંતી કરી હતી.