Site icon Revoi.in

રાજ્યસભા ચૂંટણીઃ ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીને ઝટકો, વિધાનસભાના મુખ્ય દંડક મનોજ પાંડેએ આપ્યું રાજીનામું

Social Share

લખનૌઃ ઉત્તર પ્રદેશની રાજ્યસભાની 10 બેઠકો માટે આજે વિધાનસભામાં મતદાન ચાલી રહ્યું છે. રાજ્યસભા ચૂંટણીના મતદાન પહેલા સમાજવાદી પાર્ટી (SP)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને મોટો ઝટકો લાગ્યો હતો. તેમના વિશ્વાસુ, પક્ષના નેતા અને વિધાનસભામાં મુખ્ય દંડક મનોજ પાંડેએ રાજીનામું આપીને પક્ષમાં ચાલી રહેલી આંતરકલહ અને નારાજગી સ્પષ્ટ કરી દીધી છે. મનોજ પાંડે છેલ્લા 2 દિવસથી તેમની પાર્ટીના સંપર્કમાં ન હતા. મનોજ પાંડે રાયબરેલીના ઉંચહારથી સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે. બીજી તરફ મનોજ પાંડેના રાજીનામા પર અખિલેશ યાદવ અને સમાજવાદી પાર્ટી તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

તાજેતરમાં સ્વામી પ્રસાદ મૌર્ય પર કરેલી ટિપ્પણી બાદ તેમનો ગુસ્સો જોવા મળ્યો હતો. જો કે, મનોજ પાંડેએ પોતાના રાજીનામામાં સપા પ્રમુખ અખિલેશ યાદવને પત્ર મોકલીને વિધાનસભ્ય પક્ષના મુખ્ય દંડકના પદ પરથી રાજીનામું આપવાની વાત કરી છે. હવે રાજકીય વર્તુળોમાં એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે રાજ્યસભાની ચૂંટણીમાં વોટિંગમાં સપા વિરુદ્ધ ક્રોસ વોટિંગ થશે. માનવામાં આવે છે કે મનોજ પાંડે ભાજપના ઉમેદવારને મત આપી શકે છે. ધારાસભ્ય મનોજ પાંડેની જેમ સમાજવાદી પાર્ટીના ઘણા મોટા નેતાઓ પણ પોતાનું બળવાખોર વલણ અપનાવી ચુક્યા છે. તેમાંથી સ્વામી પ્રસાદ મૌર્યએ તો પોતાની પાર્ટી બનાવી દીધી છે. લોકસભા ચૂંટણી પહેલા રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોને વિજયી બનાવવો એ પણ સમાજવાદી પાર્ટી માટે મોટો પડકાર બની રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશની 10 સહિત રાજ્યની 17 બેઠકો માટે આજે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે આજે મતદાન પૂર્ણ થયા બાદ જ મતગણતરી હાથ ધરવામાં આવશે.