Site icon Revoi.in

રાજ્યસભા ચૂંટણીઃ ભાજપના ત્રણેય ઉમેદવાર બિનહરિફ જાહેર થયાં

Social Share

અમદાવાદઃ ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકોમાં કોંગ્રેસ દ્વારા કોઇ દાવેદારી કરવામાં ન આવતા ભારતીય જનતા પાર્ટીના ત્રણેય ઉમેદવારો બિન હરીફ જાહેર કરાયા છે. જેમાં વિદેશ મંત્રી ડૉ.એસ જયશંકરે સૌપ્રથમ ફોર્મ ભર્યું હતું. ત્યારબાદ ભાજપે  બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિહ ઝાલાના નામની જાહેરાત કરતા તેમણે પણ ફોર્મ સબમીટ કર્યા હતા. જો કે ફોર્મ ભરવાની સમય મર્યાદા વીત્યા બાદ પણ કોંગ્રેસે કોઇ ઉમેદવારના નામ જાહેર ન કરતા ભાજપના ત્રણેય ઉમેદવારો બિન હરીફ ચૂંટાયા છે. ઉલ્લેખનીય છે કે, ભાજપે  ત્રણ ડમી ઉમેદવારોના ફોર્મ પણ ભર્યા હતા. જે પરત ખેંચવામાં આવ્યા છે. ભાજપ તરફથી રજની પટેલ, રમેશ હુંબલ અને પ્રેરક શાહ એ ડમી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. હવે આગામી 20મી જુલાઇએ રાજ્યસભાનું સત્ર શરુ થતા ડૉ.એસ જયશંકર, બાબુભાઇ દેસાઇ અને કેસરીદેવસિંહ ઝાલા શપથ લેશે.

ગુજરાતના રાજ્યસભામાં 3 સભ્યોની ટર્મ પૂર્ણ થતી હોવાથી ચૂંટણી જાહેર કરવામાં આવી હતી. ભાજપાએ ફરી એકવાર વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરને ફરીથી રાજયસભામાં ગુજરાતમાંથી મોકલ્યાં છે. જ્યારે અન્ય બે નવા ચહેરાઓને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યાં હતા. એસ.જયશંકરે પંદર દિવસ પહેલા જ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. આ ઉપરાંત ભાજપના અન્ય બે ઉમેદવારોએ તાજેતરમાં જ ફોર્મ ભર્યું હતું. વિધાનસભામાં ભાજપાને 157 જેટલા ધારાસભ્યો છે. જેથી ત્રણેય ઉમેદવારોની જીતની આશા વ્યક્ત થઈ હતી. જો કે, કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારને મેદાનમાં ઉતારવાનું ટાળ્યું હતું. BJPના ત્રણેય નેતાઓ આગામી તા. 20 જુલાઈથી શરૂ થનારા સત્રમાં શપથગ્રહણ કરશે.