મુંબઈઃ ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે કરોડો લોનધારકો જેની રાહ જોઈ રહ્યા હતા, તે મોટી જાહેરાત કરી દીધી છે. વધતી મોંઘવારી વચ્ચે EMI માં રાહતની આશા રાખીને બેઠેલા ગ્રાહકો માટે આ એક મોટી ભેટ છે. મોનેટરી પોલિસી કમિટી (MPC) ની ત્રણ દિવસીય બેઠક બાદ RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ રેપો રેટમાં 0.25% નો ઘટાડો કરીને તેને 5.25% કરવાની જાહેરાત કરી છે. આ નિર્ણય સાથે ઘર, ગાડી અને પર્સનલ લોનની EMI માં ઘટાડો થવાનો રસ્તો સાફ થઈ ગયો છે.
સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે MPC એ 3 થી 5 ડિસેમ્બર દરમિયાન દેશની આર્થિક સ્થિતિ, વૈશ્વિક આર્થિક માહોલ, લોકોની ખરીદીની માંગ અને સતત ઘટતી મોંઘવારીની સંપૂર્ણ તપાસ કરી હતી. તેમણે કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થા હાલમાં સારી સ્થિતિમાં છે. બીજા ક્વાર્ટરમાં GDP 8.2% વધી છે. ઓક્ટોબર 2025 માં છૂટક ફુગાવો (રિટેલ ઈન્ફ્લેશન) માત્ર 0.25% રહ્યો, જે અત્યાર સુધીનો સૌથી નીચો સ્તર છે. આ કારણોસર RBI પાસે વ્યાજ દર ઘટાડવાની સારી તક હતી.
રેપો રેટ ઘટવાની સીધી અસર બેંકોના ધિરાણ (લોન) પર પડશે. બેંકો હવે RBI પાસેથી ઓછા વ્યાજ દરે પૈસા લેશે, જેનો ફાયદો ગ્રાહકો સુધી પહોંચશે. હોમ લોનની EMI ઓછી થશે. તેમજ ઓટો લોન સસ્તી થશે. આ ઉપરાંત પર્સનલ લોન પર પણ વ્યાજ દરોમાં રાહત શક્ય છે. ફેસ્ટિવ સિઝન પછી આ પગલું ગ્રાહકોના ખિસ્સાને મોટી રાહત આપી શકે છે.
RBI એ માત્ર રેપો રેટમાં જ ઘટાડો નથી કર્યો, પરંતુ બજારમાં લિક્વિડિટી (રોકડ પ્રવાહ) વધારવા માટે પણ કેટલાક પગલાં લીધા છે. આ પગલાંનો ઉદ્દેશ સિસ્ટમમાં પર્યાપ્ત લિક્વિડિટી વધારવાનો અને વિકાસની ગતિ જાળવી રાખવાનો છે. MPC એ તેની નાણાકીય નીતિમાં ન્યૂટ્રલ સ્ટૅન્સ (તટસ્થ વલણ) ચાલુ રાખવાની જાહેરાત કરી છે. આનો અર્થ છે કે આગળની નીતિઓમાં RBI મોંઘવારી અને વિકાસના સંતુલનને પ્રાથમિકતામાં રાખશે. અન્ય બેંકો દ્વારા નવા વ્યાજ દરોની ઘોષણા ટૂંક સમયમાં થવાની શક્યતા છે.

