Site icon Revoi.in

મનપા ચૂંટણીમાં ભાજપના વિજય બાદ ગૃહ મંત્રી અમિત શાહે CM રૂપાણી અને પ્રદેશાધ્યક્ષ સી.આર.પાટિલને આપ્યા અભિનંદન, જનતાનો માન્યો આભાર

Social Share

અમદાવાદ: ગુજરાતમાં યોજાયેલી 6 મહાનગર પાલિકાની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ગયું છે. 6 મહાનગરપાલિકામાં ભાજપની પ્રચંડ જીત થઇ છે અને આ જીત સાથે ભાજપે ફરી એકવાર સાબિત કરી દીધું છે કે ગુજરાતને ભગવાનો ગઢ કેમ કહેવામાં આવે છે. ભાજપે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, ભાવનગર તેમજ જામનગર મહાનગરપાલિકામાં સ્પષ્ટ બહુમતીથી વિજય હાંસલ કરીને ફરીથી કમાન સંભાળી છે. આ જીત બાદ ભાજપમાં આનંદ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભાજપ વિજયોત્સવ પણ મનાવી રહ્યું છે.

ભાજપની પ્રચંડ જીત બદલ કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહે ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી.આર.પાટીલને અભિનંદન આપ્યા હતા. તે ઉપરાંત તેમણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને પેજ સમિતિના સભ્યોનો પણ આભાર માન્યો હતો.

ભાજપે રાજકોટની 72 બેઠકોમાંથી 68 પર જીત મેળવી છે. તો જામનગરમાં 64 સીટોમાંથી 50 જીતી છે. ભાવનગરમાં ભાજપે 44 સીટો કબજે કરી છે. વડોદરામાં ભાજપના ખાતામાં 63 સીટ આવી છે. આમ છ મહાનગર પાલિકા ભાજપે ફરી જીતીને પોતાનો ગઢ જાળવી રાખ્યો છે.

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતની જનતાનો માન્યો આભાર

ગૃહ મંત્રી અમિત શાહ (Amit shah) એ ટ્વીટ કરીને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપની જીત પર જનતાનો આભાર વ્યક્ત કર્યો છે. શાહે ટ્વીટ કરી કહ્યુ, ‘મહાનગરોની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપના વિકાસ અને પ્રગતિના પ્રતીક પર વિશ્વાસ મુકવા બદલ ગુજરાતની જનતાનો દિલથી આભાર.’

(સંકેત)