Site icon Revoi.in

ગુજરાત ડિફેન્સ એક્સપોના વર્ષ 2022ના 12માં સંસ્કરણનું બનશે યજમાન, સંરક્ષણ મંત્રીએ કરી જાહેરાત

Social Share

નવી દિલ્હી: ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષ ડિફેન્સ એક્સ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે ડિફેન્સ એક્સપોના વર્ષ 2022માં યોજાનારા 12માં સંસ્કરણનું યજમાન ગુજરાત બનશે. વર્ષ 2022માં તા. 10 થી 13 માર્ચ દરમિયાન સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડક્શન વિભાગ હેઠળ આ પ્રદર્શની યોજાશે. ગાંધીનગર ખાતે આ પ્રદર્શની યોજાશે.

ગુજરાતમાં યોજાનારા આ ડિફેન્સ એક્સપોના આયોજનની રૂપરેખા લઇને કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમજ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઑફ યુનિટી ધામ કેવડીયામાં બેઠક યોજવામાં આવી હતી.

આ ડિફેન્સ એક્સપો-૨૦૨૨ના આયોજનમાં રાજ્ય સરકારના સંપૂર્ણ સહયોગ અને સુવિધાઓ અંગેના એમ.ઓ.યુ પણ સંરક્ષણ મંત્રાલયના ડિફેન્સ પ્રોડકશન વિભાગના સંયુકત સચિવ અને ગુજરાતના ઊદ્યોગ કમિશનરે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીની ઉપસ્થિતીમાં કર્યા હતા.

આ બેઠક દરમિયાન CM વિજય રૂપાણીએ કહ્યું હતું કે, પીએમ મોદીની પ્રેરણા તેમજ સંરક્ષણ મંત્રીના માર્ગદર્શનથી આવા ડિફેન્સ એક્સપો દેશના અનેકવિધ રાજ્યોમાં યોજવાની જે પહેલ થઇ છે તે સરાહનીય છે. તેમણે આગામી ડિફેન્સ એક્સપો-2022ના આયોજન માટે ગુજરાતની પસંદગી કરવા માટે પીએમ અને સંરક્ષણ મંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો.

સીએમ રૂપાણીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, જે રીતે ગુજરાત વાયબ્રન્ટ સમિટના સફળ આયોજનથી વિશ્વના રોકાણકારો માટે શ્રેષ્ઠ રોકાણ સ્થાન બન્યું છે તે જ રીતે ડિફેન્સ એક્સપોના આયોજનથી પણ ડિફેન્સ સેક્ટરમાં સૌથી વધુ રોકાણ પ્રાપ્ત કરનારું રાજ્ય બનશે.