Site icon Revoi.in

પીએમ મોદીના આગામી જન્મદિવસ નિમિત્તે સહકારી સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમના આયોજન અંગે યોજાઇ બેઠક

Social Share

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આગામી તારીખ 17, સપ્ટેમ્બર 2021ના રોજ 71મો જન્મદિવસ છે ત્યારે આ જન્મદિવસ નિમિત્તે રાજ્યની સહકારી સંસ્થાઓ દ્વારા રાજ્યમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવા અંગે સહકારિતા સંમેલન યોજાયું હતું. ગાંધીનગર ઓડિટોરિયમ હોલ ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલના અધ્યક્ષ સ્થાને આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આગામી સમયમાં સહકારી ક્ષેત્રની ચૂંટણીઓમાં ભાજપ પોતે મેન્ડેટ આપી પોતાના ઉમેદવાર ઉભા રાખશે. અગાઉ ચૂંટણીઓમાં ભાજપ સૌ આગેવાનો એક સાથે મળીને નિશ્વિત રીતે પાર્ટી દ્વારા નક્કી કરાયેલ કાર્યકરો ચૂંટણી લડશે અને જીતશે. એક વર્ષમાં ઢોલ નગારા વગર હિસાબ આપ્યો કે 85 માંથી 84 ભાજપના આગેવાનો જીતી શકે છે. આ કાર્યકરોની તાકાત છે. આ તાકાતથી અમે જનતાની સેવા કરવા તત્પર છીએ.

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તે ખેડૂતોની ઉન્નતી, વિકાસ, પ્રગતીના પાયામાં કોઇ હોય તો એ સહકારી ક્ષેત્ર છે. આખા દેશમાં ગુજરાતનું સહકારી ક્ષેત્ર આજે પણ નંબર એક પર છે. અને તેની સામે કોઇ આક્ષેપો નથી થતા જે અન્ય રાજ્યોમાં સહકાર ક્ષેત્રમાં થયા છે. સહકાર ક્ષેત્રની કામગીરી સામે કોઇ આક્ષેપ નથી થયા તે બદલ તેઓએ સૌને અભિનંદન પાઠવ્યા હતા.

ભાજપ પ્રદેશ અધ્યક્ષે વધુમાં કહ્યું હતું કે, નરેન્દ્ર મોદી જ્યારથી દેશના પીએમ બન્યા ત્યારથી ખેડૂતો વધુ લાભાન્વિત થયા છે. સુગર ફેક્ટરીને જીવંત રાખવામાં પીએમ મોદીએ ખૂબ મોટી મદદ કરી છે. પીએમ મોદીએ નવું સહકારી ક્ષેત્ર ઉભુ કર્યું અને તેની કમાન આપણા ગૃહમંત્રી અમિત શાહને સોંપવામાં આવી. સહકારી ક્ષેત્રમાં દરેક પ્રશ્નોને સમજવામાં આપણા ગૃહમંત્રી અમિત શાહ સૂઝ અને સમજ ધરાવે છે. પ્રશ્નોના નિરાકરણની પણ તેમનામાં સૂઝ રહેલી હોવાથી PM મોદીએ તેમને આ ક્ષેત્રની જવાબદારી સોંપી છે. ગૃહમંત્રી અમિત શાહ સહકાર ક્ષેત્રના મંત્રી બનતા આ ક્ષેત્રે ખૂબ પ્રગતિ થશે.

 

વૃક્ષારોપણના કાર્યક્રમ વિશે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે, વૃક્ષારોપણના કાર્યક્રમમાં સહકારી સંસ્થાઓએ સંયુક્તપણે 71 લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો છે. તે ઉપરાંત બ્લડ ડોનેશન કેમ્પમાં પણ સૌથી વધુ બ્લડ બોટલ ભેગી થાય અને તેનો પણ રેકોર્ડ બને તે અંગે તેઓએ વિનંતી કરી હતી. જેથી કોરોના કાળ આવે કે અન્ય કોઇ કારણોસર કોઇને બ્લડની જરૂર હોય તો તે દર્દીને મળી શકે. તે ઉપરાંત મેડિકલ કેમ્પ માટે પણ અપીલ કરી હતી.

આ બેઠકમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ. ઉપરાંત મંત્રી ગણતપ વસાવા, મંત્રી ઇશ્વર સિંહ પટેલ, મંત્રી જયેશ રાદડિયા, પ્રદેશના મહામંત્રીઓ પ્રદીપસિંહ વાઘેલા, રજની પટેલ, ઘનશ્યામ અમીન, શામળ પટેલ, ડો. દેવરાજ ચિખલીયા, ડોલર કોટેચા, શંકર ચૌધરી, રાજ્યની ટોચની સહકારી સંસ્થાઓ, જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકો, જીલ્લા દૂધ ઉત્પાદક સંઘો, જીલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘો, જીલ્લા સહકારી સંઘો, ખાંડ સહકારી મંડળીઓ, ખેતી બેંકો, બજાર સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન પણ ઉપસ્થિત રહ્યા હતા.