Site icon Revoi.in

એન.આઈ.એમ.સી.જે. દ્વારા અંતઃકરણ અને પોડકાસ્ટ પ્લેટફોર્મ ‘નિનાદનો’ પ્રારંભ

Social Share

અમદાવાદ: વિશ્વ સંવાદ એજ્યુકેશન ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી પ્રદીપ જૈન અને ન્યુઝ૧૮ નવી દિલ્હીના ઈનપુટ એડિટર શ્રી અમિતાભ સિંહા દ્વારા એન.આઈ.એમ.સી.જે. ના વિદ્યાર્થીઓ દ્વારા સંચાલિત અંતઃ કરણ વેબસાઇટ અને નિનાદ – ધી પોડકાસ્ટ નું ઓનલાઇન લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પોડકાસ્ટ પ્લેટફોર્મ શરૂ કરનારી ગુજરાતની એકમાત્ર સંસ્થા એન.આઈ.એમ.સી.જે બની છે.

એન.આઈ.એમ. સી.જે.ના બૅચ-૬ ના વિદ્યાર્થી મોહિત પઢીયાર, અભિલાષ પિલ્લઈ અને બ્રેન્ડેન ડાભીએ મળીને અંતઃ કરણ ડિજિટલ પ્લેટફોર્મની શરૂઆત કરી હતી. વર્ષ ૨૦૨૦ માં કોરોના મહામારીના કારણે ઘણી અડચણો સામે આવી હતી. આથી બૅચ- ૧૩ના વિદ્યાર્થીઓ દ્વારા અંતઃ કરણને નવા સ્વરૂપે લોકો સમક્ષ લાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. તેમજ નિનાદ- ધી પોડકાસ્ટ બૅચ-૧૩ ની વિદ્યાર્થીની દ્વારા શરૂ કરવાનો વિચાર આખરે સફળ થયો.જેમાં સંસ્થાના તમામ વિદ્યાર્થીઓએ મળીને પોતાનું યોગદાન આપ્યું છે.

અંતઃકરણ એક ઓનલાઈન વેબસાઇટ છે જે સંપૂર્ણ માત્ર ને માત્ર વિદ્યાર્થીઓ થકી ચલાવવામાં આવે છે. આ વેબસાઈટ એન.આઈ.એમ.સી.જે.માં ભણતાં વિદ્યાર્થીઓને એક એવી તક આપે છે કે જે તેમને આવનારા ભવિષ્યમાં પત્રકારત્વ ક્ષેત્રે કામ લાગે, અંતઃકરણ એ પત્રકારત્વ પ્રત્યેનાં દરેક કાર્યક્ષેત્રમાં કામ થતાં વિવિધ વિભાગો જેવા કે કન્ટેન્ટ રાઇટિંગ , વેબસાઈટ મેનેજીંગ, ગ્રાફિક ડિઝાઇન, વીડિયો એડીટીંગ, ફોટોગ્રાફી વગેરે જેવાં વિષયો પર કામ કરી અનુભવો સાંકળે છે.

નિનાદ એટલે ધ્વનિ. સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા નિનાદ સ્વરૂપે પોડકાસ્ટની શરૂઆત કરવામાં આવી. જે વિદ્યાર્થીઓને આગળ જતાં બોલવામાં, વાત કહેવામાં, વિષય વ્યક્ત કરવામાં, લાગણી દર્શાવવામાં અને પોતાના અવાજને પોતાનું સાધન બનાવીને કેવી રીતે લોકોને આકર્ષી તેમના મન સુધી પહોંચી શકાય તે શીખવે છે.

વિદ્યાર્થીઓની મહેનત, ધગશ અને કંઈક નવી કરી બતાવવાની ઇચ્છાને શ્રી પ્રદીપ જૈન અને શ્રી અમિતાભ સિંહા દ્વારા બિરદાવવામાં આવી. તથા શ્રી સિંહાએ પોતાની કારકિર્દીના આધારે કેવી રીતે અલગ-અલગ પરિસ્થિતિનો સામનો કરી આગળ વધવું અને પોતાના કામ પ્રત્યે અડગ રહેવું વગેરે વિશે વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. આ ઉપરાંત વાતચીત દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિષયને અનુરૂપ પુછાયેલા સવાલોના જવાબ આપવાનો પ્રયાસ પણ શ્રી અમિતાભ સિંહાએ આપ્યા હતા.

આ કાર્યક્રમનું પ્રસારણ સંસ્થાના ફેસબુક પેજ પરથી લાઈવ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેશનલ ઈન્સ્ટટ્યિૂટ ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ(NIMCJ), અમદાવાદના ડાયરેક્ટર ડો. શિરીષ કાશીકરની સાથે આસિસ્ટન્ટ ડાયરેક્ટર શ્રી ઈલા ગોહેલ તથા સંસ્થાના પ્રાધ્યાપક શ્રી શશીકાંત ભગત, શ્રી કૌશલ ઉપાધ્યાયે આમંત્રણ અને વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી.