Site icon Revoi.in

રાજ્યમાં સતત વધી રહ્યું છે કસ્ટોડીયલ ડેથનું પ્રમાણ, છેલ્લા 2 વર્ષમાં કુલ આટલાં લોકોના થયા મોત

Social Share

નવી દિલ્હી: વિકાસના મોડલ રાજ્ય ગણાતા એવા ગુજરાતમાં જ્યાં એક તરફ સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસ અત્યાચારો તેમજ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં ઘણો વધારો જોવા મળ્યો છે. ગુજરાત રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના કિસ્સા અવારનવાર પ્રકાશિત થતા હોય છે અને સમય જતા લોકો ભૂલી પણ જાય છે. પરંતુ કસ્ટોડીયલ ડેથના કિસ્સામાં પોલીસની કેદમાં રહેલ વ્યક્તિને ગુનેગાર સાબિત થયા પહેલા જ સજા મળી જતી હોય છે. વિધાનસભા ગૃહમાં રાજ્યમાં કસ્ટોડીયલ ડેથના આંકડા સામે આવ્યા છે.

રાજ્ય સરકાર અનુસાર છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 157 લોકોની કસ્ટોડીયલ ડેથ થઇ છે. વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 કસ્ટોડીયલ ડેથ નોંધાઇ છે. જે દર મહિને આશરે 6 થી 7 લોકોની કસ્ટોડીયલ ડેથ તરફ ઇશારો કરે છે. રાજ્યમાં મોટી સંખ્યામાં કસ્ટોડીયલ ડેથ થવા છતાં તે અંગે હજુ કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.

વિધાનસભામાં ગૃહમાં અપાયેલી જાણકારી અનુસાર કસ્ટોડીયલ ડેથ મામલે અત્યારસુધીમાં 3 PI, 5 PSI, 4 ASI તેમજ 15 કોન્સ્ટેબલ વિરુદ્વ કડક કાર્યવાહી કરાઇ છે. જેમાં 1 PSI, 2 ASI અને 4 કોન્સ્ટેબલને દંડ કરીને જેલમાં મોકલવામાં આવ્યા છે.

કસ્ટોડીયલ ડેથ એટલે શું?
કોઈપણ ગુનામાં પકડાતી વ્યકિતને તપાસનીશ પોલીસ અથવા સુરક્ષાતંત્રના લોકઅપમાં પૂછપરછ માટે રાખવામાં આવે છે. કોર્ટમાં રજુ કરવામાં આવે ત્યાં સુધી અથવા કોર્ટમાંથી રીમાંડ મળી હોય ત્યાં સુધી પોલીસ કસ્ટડીમાં ગણાય છે. આ દરમ્યાન આરોપીનું મોત થાય તો કસ્ટોડીયલ ડેથ ગણવામાં આવે.

(સંકેત)