Site icon Revoi.in

ગુજરાતમાં હવે રાતના 11 કલાકે લાગુ થશે કર્ફ્યું અને લગ્ન પ્રસંગમાં ભેગા થઈ શકશે 200 મહેમાન

Social Share

અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદ સહિતના શહેરોમાં કોરોના મહામરીને પગલે રાત્રિ કર્ફ્યુનો રાતના 10થી સવારે 6 કલાક સુધી અમલ કરવામાં આવી રહ્યો છે. સરકાર દ્વારા રાત્રિના કર્ફ્યુમાં રાજ્ય સરકારે રાહત આપી છે. અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાતના 11થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. આ ઉપરાંત લગ્નપ્રસંગને લઈને પણ કેટલીક છૂટછાટ આપવામાં આવી છે. હવે લગ્નપ્રસંગમાં 200 વ્યક્તિઓ ઉપસ્થિત રહી શકશે.

ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટતા સરકાર દ્વારા કેટલાક નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. અમદાવાદ સહિત ચાર શહેરોમાં રાતના કર્ફ્યુના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. તા. 15મી ફેબ્રુઆરી સુધી હવે રાતના 11થી સવારના 6 કલાક સુધી કર્ફ્યુનો અમલ કરવામાં આવશે. કર્ફ્યુનો ભંગ કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત લગ્ન પ્રસંગમાં 200 મહેમાનને બોલાવવાની તથા હોલ અને હોટલમાં 50 ટકા કેપિસિટીની છૂટછાટ આપવામાં આવી છે. જો કે, રાજ્યની જનતાએ એસઓપીનું પાલન કરવું પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યભરમાં કોરોના વાયરસની રસીનું મહાઅભિયાન ચાલી રહ્યું છે. બીજી તરફ કોરોનાનું સંક્રમણ પણ ઘટી રહ્યું છે. જેથી સરકાર દ્વારા સ્કૂલ-કોલેજમાં શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. હાલ ધો-10 અને 12ના વર્ગો ચાલી રહ્યાં છે. તા 1લી ફેબ્રુઆરીથી ધો-9 અને 11ના વર્ગો શરૂ થશે. આ ઉપરાંત ખાનગી ટ્યુશન ક્લાસીસના સંચોલકને પણ ક્લાસીસ ચાલુ કરવાની મંજૂરી આપવામાં આવી છે. રાજ્યમાં તબક્કાવાર વિવિધ ધોરણના વર્ગો શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.