Site icon Revoi.in

માહિતી ખાતા પરિવારના નિવૃત્ત કર્મયોગીઓનું સ્નેહમિલન યોજાયું, નિવૃત્ત સંગઠન ‘સેતુ’ના પ્રમુખ અને મહામંત્રીની વરણી

Social Share

અમદાવાદઃ માહિતી ખાતાના નિવૃત્ત કર્મયોગીઓનું સ્નેહમિલન પુર્વ માહિતી નિયામક જ્યોતિન્દ્ર દવે, પુર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રીમતી શકુંતલાબેન ગોર, માહિતી-પ્રસારણ વિભાગના પુર્વ સચિવ એમ. સી. નાયક અને રાજ્યભરમાંથી પધારેલા માહિતી ખાતાના નિવૃત્ત કર્મયોગી ભાઈઓ-બહેનોની ઉપસ્થિતિમાં, ભારે ઉત્સાહ અને ઉમળકા સાથે યોજાયું હતું. જેમાં વિદાય લઈ ગયેલા – દિવંગત સાથીઓની યાદમાં મૌન અને તેમને શ્રધ્ધાસુમન સાથે, ૭૫ વર્ષ વટાવી ચૂકેલા સાથીઓનું શાલ અને સ્મૃતિચિહ્ન સાથે અભિવાદન પણ કરાયું હતું.
ઉપસ્થિત સૌએ જુના સંસ્મરણો અને યાદોને વાગોળીને, નવા વર્ષના આરંભ પછી યોજાયેલ આ સ્નેહમિલન સમારોહમાં પરસ્પર શુભેચ્છાઓનું આદાન-પ્રદાન કર્યું હતું.

માહિતી પરિવારના નિવૃત્ત કર્મયોગીઓની નિષ્ઠાભરી સમર્પિત સેવાઓના સાક્ષી એવા પુર્વ માહિતી નિયામક અને આ સમારોહના અધ્યક્ષ જ્યોતિન્દ્ર દવેએ, નિવૃત્તીમાં પણ પ્રવૃત્ત રહી શેષ જીવનમાં વધુ સ્વસ્થ રહી પોતાનામાં રહેલી શક્તિઓનો સૌ કોઈને સહાયરૂપ બની શકાય એ રીતે સમુચિત ઉપયોગ કરવા ઉપર ભાર મુક્યો હતો. અતિથિવિશેષપદે ઉપસ્થિત પુર્વ સંયુક્ત માહિતી નિયામક શ્રીમતી શકુંતલાબેન ગોરે એક સમયના સાથીઓને આ સ્નેહમિલન નિમિત્તે રૂબરૂ મળવાનો અવસર મળ્યો તેનો રાજીપો વ્યક્ત કરીને, નિવૃત્ત કર્મયોગીઓને એક છત્ર નીચે એકઠા કરવાના સંનિષ્ઠ પ્રયાસને બિરદાવ્યો હતો.

વિશેષ નિમંત્રિત વરિષ્ઠ સનદી અધિકારી એમ. સી. નાયકે, એ સમયે પ્રચાર-પ્રસારની આજ જેવી અદ્યતન સુવિધાઓ નહોતી ત્યારે, પરસ્પર કોઈ પૂર્વગ્રહ કે દ્વેષભાવ વિના એમની સરકારી સેવામાં શ્રેષ્ઠ પ્રદાન કરનારા માહિતી ખાતાના સૌ નિવૃત્ત કર્મયોગીઓની મુક્તકંઠે પ્રશંસા કરી હતી. નિવૃત્તી પછી પણ એમની ઉપયોગીતાને સાર્થક કરી રહેલા અધિક માહિતી નિયામક અને જાણીતા મોટિવેશનાલિસ્ટ અને કોલમનિસ્ટ પુલક ત્રિવેદીએ ન માત્ર આ સમારોહનું મનભાવન સંચાલન કર્યું હતું, “જીવન જીવવાની સાચી ઉમર અને સૌંદર્ય ” વિષય પર મનનીય વક્તવ્ય પણ આપ્યું હતું.

ઉલ્લેખનીય અને સરાહનીય વાત એ રહી કે સમારોહમાં ઉપસ્થિત નહીં રહી શકેલા પુર્વ નાયબ માહિતી નિયામક રામચંદ્ર બારોટે મંડળને રૂ. 11000નું અનુદાન આપ્યું તો શ્રી પુર્વ માહિતી કર્મયોગીઓ લક્ષ્મણસિંહ રાજપૂતે સન્માન માટેના સ્મૃતિચિહ્નો અને કિર્તી જે. પરમારે વુલન શાલો પોતાના તરફથી આપી હતી. આ સમારોહમાં માહિતી પરિવારના નિવૃત્ત કર્મયોગીઓના મંડળ (સેતુ)ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં સર્વાનુમતે પુર્વ માહિતી કર્મયોગીઓ રણછોડભાઈ નાયકને અધ્યક્ષપદની અને કિર્તી જે. પરમારને મંત્રીપદની જવાબદારી બહાલ રાખવામાં આવી હતી. દિનેશ ચૌહાણ અને ધીરુભાઈ કોટવાલની ઉપપ્રમુખો તરીકે, સર્વ શ્રી જી. આર. મારુ, મયુર શાહ, જગદીશ સત્યદેવ, સંજય શાહ, આર. એસ. પટેલની સંગઠન મંત્રીઓ તરીકે અને સર્વશ્રી બી. ડી. વાણવી, વસંત દવે, સુરેશ મિશ્રાની સહમંત્રીઓ તરીકે તથા પ્રવીણ પટેલની કોષાધ્યક્ષ તરીકેની નિમણૂંકોને બહાલ રાખવામાં આવી હતી. સર્વ જ્યોતિન્દ્ર દવે, પ્રકાશ લાલા, પુલક ત્રિવેદી, નટુભાઈ પરમાર, હર્ષદ ઠાકર, શકુંતલાબેન ગોર, વિભૂતિબહેન છાયા, પ્રજ્ઞાબેન પટેલની આ સંગઠનના માનદ સલાહકારો રૂપે વરણી કરાઈ હતી. શંભુ દેસાઈ, મુકેશ પટેલ, કુ. સ્વાતિ રામાણી, એચ. કે. દોશીની કારોબારી સભ્યો તરીકે વરણી થઈ હતી. આ સમારોહની આભારવિધિ પુર્વ સંયુક્ત માહિતી નિયામક  નટુભાઈ પરમારે કરી હતી.