Site icon Revoi.in

સાબરકાંઠાના સહકારી આગેવાન વિપુલ પટેલે કોંગ્રેસનો સાથ છોડી ભાજપમાં જોડાય તેવી શક્યતા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ સી.જે.ચાવડાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતના વધુ એક રાજકીય આગેવાન પણ કોંગ્રેસનો સાથ છોડીને ભાજપમાં જોડાય તેવી શકયતા છે. સાબરડેરીના ડિરેક્ટર વિપુલ પટેલ વર્ષોથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે, જો કે, તેઓ આગામી દિવસોમાં ભાજપમાં જોડાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર કોંગ્રેસના નેતા વિપુલ પટેલ સહકારી રાજકારણમાં મોટુ નામ ગણાય છે. તેઓ ચાર ટર્મથી સાબરડેરીમાં ડિરેક્ટર તરીકે સેવા આવી રહ્યાં છે. તેમજ સહકારી માળખામાં ડેમેજ કન્ટ્રોલર તરીકે જાણીતા છે. સાબરકાંઠા ઉપરાંત અરવલ્લી જિલ્લાના સહકારી ક્ષેત્રમાં વિપુલ પટેલ મોટુ નામ ગણાય રહ્યું છે. દરમિયાન વર્ષ 2014માં હિંમતનગર વિધાનસબા બેઠક ઉપરથી કોંગ્રેસ તરફથી ઉમેદવારી નોંધાવી હતી. દરમિયાન હવે વિપુલ પટેલ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ વ્યક્ત થઈ રહી છે. જેના પરિણામે કોંગ્રેસને ઉત્તર ગુજરાતમાં મોટો ફટકો પડવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્વે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ પાર્ટી છોડી રહ્યાં છે. સૌરાષ્ટ્રના આમ આદમી પાર્ટીના ધારાસભ્યએ ભાયાણીએ રાજીનામું આપ્યું હતું. જે બાદ મધ્ય ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્ય બાદ તાજેતરમાં જ ગાંધીનગરના કોંગ્રેસના સિનિયર નેતા અને ધારાસભ્ય સી.જે.ચાવડાએ રાજીનામું આપતા સ્થાનિક રાજકારણ ગરમાયું છે. હજુ આગામી દિવસોમાં કોંગ્રેસ અને આપના નેતાઓ પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં જોડાય તેવી અટકળો રાજકીય વર્તુળમાં વહેતી થઈ છે.