ગાંધીનગર, 13 એપ્રિલ, 2026 – સમર્પણ આર્ટ્સ એન્ડ કૉમર્સ કોલેજ, ગાંધીનગરના આચાર્ય ડૉ. આશિષ જનકરાય દવેના માર્ગદર્શનમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને સામાજિક શૈક્ષણિક પછાત પ્રકોષ્ઠ દ્વારા ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની ૧૩૬મી જન્મજયંતીની પૂર્વ સંધ્યાએ ગાંધીનગર ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રી મહેન્દ્રસિંહજી વાઘેલાની અધ્યક્ષતામાં અને મુખ્ય મહેમાન દેવેન્દ્રભાઈ સોલંકીની ઉપસ્થિતિમાં વિશેષ રીતે ઉજવણી કરવામાં આવી.
ડૉ. કૃષ્ણવીરસિંહ ઝાલાના માર્ગદર્શનમાં સંસ્થાના વિધાર્થીઓ દ્વારા एक मुठ्ठी धान એકત્રિત કરીને સંસ્થામાં સ્વચ્છતા કાર્ય સાથે સંકળાયેલા ભાઈઓ-બહેનોને કાર્યક્રમના અધ્યક્ષશ્રી અને મુખ્ય મહેમાનના હસ્તે અનાજ અર્પણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સંસ્થાની પરંપરા મુજબ પ્રાર્થના અને પ્રકૃતિ પૂજન દ્વારા કરવામાં આવી ઉપસ્થિત સર્વેનું શાબ્દિક સ્વાગત અને પરિચય સંસ્થાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યું. મહેમાનનું પુસ્તકપુષ્પથી સ્વાગત સંસ્થાના ટ્રસ્ટી મહેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કરવામાં આવ્યું હતું. દેવલીપિ ન્યૂઝ ડોટ કોમના સ્થાપક તંત્રી, લેખક અને ચિંતક મુખ્ય વક્તા દેવેન્દ્રભાઈ સોલંકીએ ડૉ. બાબાસાહેબના વિચારોમાં સમતા અને બંધુત્વ પર પોતાના વિચારો રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે, તત્કાલીન અસમાનતા અને સંઘર્ષ ભર્યા સામા પ્રવાહમાં જઈને ડૉ. બાબાસાહેબે અભ્યાસ પ્રાપ્ત કર્યો અને તેમાં પણ સમગ્ર રાષ્ટ્રને જોડતી ભાષા સંસ્કૃત તેઓને જાતિગત રીતે ભારતમાં અભ્યાસ કરવા ન મળ્યો છતાં તેઓએ જર્મની જઈને સંસ્કૃત ભાષા શીખ્યા હતા.
આ પણ વાંચોઃ ભારતીય કથન અંગે આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં યોજાયો પરિસંવાદ
બંધુત્વના ભાવ માટે સમતા અને સમરસતા પ્રાથમિક શરત છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું કે, તારીખ 25 નવેમ્બર, 1949ના રોજ પોતાના અંતિમ ભાષણમાં બાબાસાહેબે જણાવ્યું હતું કે “રાજકારણમાં સમાનતા હશે પરંતુ વ્યવહારમાં સમાનતાનો અભાવ છે, માત્ર બંધુત્વ જ સમાજને જોડતું ગ્લુ (એડેસીવ) છે, જેને તોડવાનું કામ દરેક જાતિ – જ્ઞાતિ અને સંપ્રદાયના વડાઓએ કર્યું છે.
વર્તમાન સોશિયલ મીડિયાના માધ્યમથી બાબાસાહેબના વિચારોને તોડી મરોડી વિકૃત સ્વરૂપે રજુ કરી સામાજીક સમરસતા ડહોળવાનો પ્રયાસ ચાલી રહ્યો છે પરંતુ તેઓને અસફળ બનાવવાની જવાબદારી આજના યુવાનોની છે. वसुधैव कुटुम्बकम् સંસ્કૃતિ ધરાવતા દેશના યુવાનો બાબાસાહેબના વિચારોમાંથી પ્રેરણા લઈ ચોક્કસ ધ્યેય સાથે પ્રગતિ કરશે તેની શ્રદ્ધા છે તેમ દેવેન્દ્રભાઈ સોલંકીએ જણાવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. ઠાકોરભાઈ નાયક અને આભારવિધિ ડૉ. લલીતાબેન સોલંકી દ્વારા કરવામાં આવ્યા હતા.

