Site icon Revoi.in

સુરતમાં બ્રિટન આવેલી મહિલા કોરોના સંક્રમિત, નવા સ્ટ્રેનની તપાસ માટે સેમ્પલ લેવાયાં

Social Share

અમદાવાદઃ બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. તેમજ ભારત સહિતના દુનિયાના 40 જેટલા દેશોએ બ્રિટન જતી અને આવતી હવાઈ સેવાઓ બંધ કરી છે. ભારતમાં પણ બ્રિટનથી આવેલા 20 લોકોમાં કોરોના વાયરસના નવા સ્ટ્રેન મળી આવ્યાં હતા. દરમિયાન તાજેતરમાં બ્રિટનથી સુરત આવેલી યુવતી કોરોના સંક્રમિત થતા ખળભળાટ મચી ગયો છે. જેથી નવા સ્ટ્રેનની તપાસ માટે તેના જરૂરી સેમ્પલ લઈને પૂણે લેબોરેટરીમાં તપાસ માટે મોકલી આપવામાં આવ્યાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ક્રિસમસ વેકશન માણવા માટે બ્રિટનમાં રહેતી સુરતની યુવતી તા. 10મી ડિસેમ્બરના રોજ હવાઈ માર્ગે ભારતમાં આવી હતી. તેમજ સુરતના હજીરા માતા-પિતા સાથે રોકાણ કર્યું હતું. દરમિયાન યુવતી તા. 20મી ડિસેમ્બરના રોજ બ્રિટન જવા રવાના થવાની હતી. જો કે, બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા ભારતે તમામ હવાઈ સેવાઓ બંધ કરી હતી. જેથી દિલ્હીથી યુવતી પરત આવી હતી. દરમિયાન યુવતીની તબીયત લથડતા તેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. આ રિપોર્ટ પોઝિટિવ આવતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.

યુવતીની માતા, પિતા અને બહેનનો પણ રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો. જેમાં માતા અને બહેનનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. જેથી ત્રણેયને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલના અલાયદા વોર્ડમાં દાખલ કરવામાં આવ્યાં છે. તેમજ કોરોનાના નવા સ્ટ્રેનની તપાસ માટે તેમના જરૂરી સેમ્પલ લઈને તપાસ માટે પૂણેની લેબમાં મોકલવામાં આવ્યાં છે.