Site icon Revoi.in

PM નરેન્દ્ર મોદીની ડિગ્રી મામલે ટિપ્પણી કરનાર સંજય સિંહને સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળી

Social Share

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સભ્ય સંજય સિંહને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી પર કરેલી ટિપ્પણીના મામલે સુપ્રીમ કોર્ટમાંથી કોઈ રાહત મળી નથી. સંજય સિંહે હવે ગુજરાતની નીચલી કોર્ટમાં ચાલી રહેલા ટ્રાયલનો સામનો કરવો પડશે. જસ્ટિસ બીઆર ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચે હાઈકોર્ટના નિર્ણયમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. નીચલી અદાલતે 2023માં અપરાધિક માનહાનિના કેસમાં સમન્સ જારી કર્યું છે અને સંજય સિંહને 15 એપ્રિલે હાજર થવાનો આદેશ આપ્યો છે. ગુજરાત હાઈકોર્ટે સંજય સિંહ સામે જાહેર કરાયેલા સમન્સને રદ કરવાની માંગ કરતી અરજીને ફગાવી દીધી છે.

હકીકતે, ગુજરાતની નીચલી અદાલતે પ્રધાનમંત્રીની શૈક્ષણિક લાયકાત અંગેના તેમના કટાક્ષ અને અપમાનજનક નિવેદનના સંદર્ભમાં ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલી ફોજદારી બદનક્ષીની ફરિયાદ પર સંજય સિંહને સમન્સ જારી કર્યા હતા. નીચલી કોર્ટના આદેશને સંજય સિંહે ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે સંજય સિંહની અરજી ફગાવી દીધી હતી. હાઇકોર્ટના આદેશને સંજય સિંહે સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

ગુજરાત હાઈકોર્ટે સંજય અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સામે નીચલી અદાલત દ્વારા જારી કરાયેલા સમન્સને રદ કરવાનો ઈન્કાર કરી દીધો હતો. સંજય સિંહ અને કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રીને લઈને ગુજરાત યુનિવર્સિટી વિશે વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જેના કારણે યુનિવર્સિટીએ તેમની સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો છે. આ પછી, નીચલી કોર્ટ દ્વારા AAP સાંસદને તેમની હાજરી માટે વારંવાર સમન્સ મોકલવામાં આવી રહ્યા છે. સંજય સિંહ વતી કોર્ટમાં હાજર થયેલી રેબેકા જ્હોને કહ્યું હતું કે સંજય સિંહે યુનિવર્સિટી વિશે જે પણ કહ્યું તેમાં માનહાનિ જેવું કંઈ નથી. તેમણે દલીલ કરી હતી કે, “વિડિયો પરથી સ્પષ્ટ થાય છે કે નિવેદન યુનિવર્સિટીની બદનક્ષી કરતું નથી. એવું કહેવામાં આવ્યું નથી કે ગુજરાત યુનિવર્સિટીએ નકલી ડિગ્રી બનાવી છે.” તેના પર કોર્ટે કહ્યું કે જ્યારે ટ્રાયલ કોર્ટમાં કેસની સુનાવણી થશે ત્યારે આ દલીલો આપી શકાય છે. એમ કહીને કોર્ટે અરજી ફગાવી દીધી હતી.

Exit mobile version