Site icon Revoi.in

ખેડુતોને આઠ કલાક વીજળી ન અપાતા સત્યાગ્રહ, ખેડુતોના સમર્થનમાં દીઓદર બંધ રહ્યું

Social Share

પાલનપુર : ઉત્તર ગુજરાતમાં બોર-કૂવામાં પાણી હોવા છતાં ખેડુતો વીજળીના અભાવે સિચાઈ કરી શક્તા નથી. ખેડુતોને પુરા આઠ કલાક પણ વીજળી અપાતી નથી. ગાંધીનગરમાં ગઈકાલે કોંગ્રેસે વિધાનસભામાં આ મુદ્દો ઉઠાવ્યો હતો, ભારતીય કિસાન સંઘ દ્વારા પણ રેલી કાઢવામાં આવી હતી. મુખ્યમંત્રીને રજુઆતકર્યા બાદ પણ પુરા 6 કલાક પણ વીજળી મળતી નથી. જેમાં બનાસકાંઠામાં  છેલ્લા કેટલાય સમયથી વીજકાપને લઇ ઠેર ઠેર ખેડુતો હવે આંદોલનના માર્ગે વળ્યા છે. બે દિવસથી ખેડૂતો વીજળીની માંગને લઈને ધરણા પર ઉતર્યા છે. ત્યારે આજે દિયોદર શહેર વીજળીની માંગને લઈને બંધ રાખવામાં આવ્યુ હતુ.

બનાસકાંઠામાં ખેડુતોને પુરા 8 કલાક વીજળી ન અપાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. અને દીઓદરના વેપારીઓએ પણ ખેડુતોની લડતને સમર્થન આપ્યુ હતું.  દિયોદરના વેપારીઓ ધંધા રોજગાર બંધ રાખી ખેડૂતોને સમર્થન આપી રહ્યાં છે. 8 કલાક પૂરતી વીજળીની માંગ સાથે દિયોદરના વખા સબસ્ટેશન ખાતે 4 દિવસથી ધરણા ઉપર બેઠેલા ખેડુતોના સમર્થનમાં વેપારીઓએ આજે બંધ પાળ્યો હતો. દિયોદરના વેપારીઓ સ્વયંમભુ બંધ પાળી બજારો બંધ રાખ્યા હતા. જો ખેડૂતોની 8 કલાક પૂરતી વીજળીની માંગ નહિ સ્વીકારાય તો ગામડાઓના વેપારીઓ પણ ગામડાઓમાં બંધ પાળશે તેવી ચીમકી આપી છે.

બનાસકાંઠાના દિયોદર પંથકના ખેડૂતો છેલ્લા 4 દિવસથી 8 કલાક પૂરતી વીજળી મળે તે માટે ખેડુતો વીજ સબસ્ટેશન ખાતે ધરણા ઉપર બેઠા છે. ત્યારે આજે ધરણા ઉપર બેઠેલા ખેડૂતોના સમર્થનમાં દિયોદરના વેપારીઓ આવ્યા હતા અને આજે દિયોદર શહેરના વેપારીઓએ પોતાના ધંધા રોજગાર સ્વયંમભૂ બંધ રાખીને ખેડૂતોને સમર્થન આપ્યું હતું. આજે દિયોદર ગ્રામ પંચાયત દ્વારા દિયોદરની બજાર બંધ રાખવાની અપીલ કરતાં દિયોદરની બજાર સજ્જડ બંધ રહી છે. જોકે વીજળી માટે વલખાં મારી રહેલા ખેડૂતો 8 કલાકની વીજળી મળે તે માટે આંદોલન કરી રહ્યા છે. ત્યારે તેમની પીડા જોઈને વેપારીઓ પણ હવે ખેડુતોના આંદોલનમાં જોડાયા છે.

દીઓદરના વેપારીઓએ જણાવ્યું હતું કે,  અમારા ધંધા રોજગાર ખેડૂતો ઉપર આધારિત છે. ખેડૂતોના પાક જ નહિ પાકે તો અમારા ધંધા રોજગાર ઠપ્પ થઈ જશે. જેથી અમે ખેડૂતોને દરેક રીતે સમર્થન આપીશું. જો સરકાર ખેડૂતોને પૂરતી વીજળી નહિ આપે તો અમે હાલ તો દિયોદર શહેરના વેપારીઓએ જ દુકાનો બંધ રાખી છે. પણ આગળ ગામડાઓના પણ વેપારીઓ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને ખેડૂતોના સમર્થનમાં ઉતરીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી વીજકાપને લઇ ઠેર ઠેર ખેડુતો હવે આંદોલનના માર્ગે વળ્યા છે. ગઈકાલે લાખણી ખાતે આંદોલન કરી રહેલા ખેડુતોએ વીજ કચેરીનો ઘેરાવો કર્યો હતો. ત્યારે આંદોલન કરી રહેલા ખેડૂતો ૮ કલાક વીજ પુરવઠો આપવાની માંગ સાથે ધ્રૂસ્કેને ધ્રૂસ્કે રડી પડ્યા હતા.

ખેડૂતોના ખેતરોમાં સુકાઈ રહેલો પાકની વ્યથા પ્રગટ કરતા ખેડુતો વહેલી તકે સરકાર દ્વારા 6 કલાકની જગ્યાએ 8 કલાક વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે તેવી માંગ કરી રહ્યાં છે. જ્યારે માથા પર રૂમાલ રાખીને રોઈ રહેલા ખેડૂતોએ આક્રોશ સાથે કહ્યું કે, વીજળીની માંગ સાથે અમે આજે રડી રહ્યા છીએ. પરંતુ જો સરકાર અમારી માંગ નહિ સ્વીકારે તો 2022 ની ચૂંટણીમા સરકારને આ રીતે જ રોવાનો વારો લાવીશું તેવી પણ ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે.