Site icon Revoi.in

શાળા પ્રવેશોત્સવઃ કચ્છમાં 28 બાળકોના ઘરઆંગણે છોડ રોપીને ધો-1માં નામાંકન કરાયું

Social Share

અમદાવાદઃ શાળા પ્રવેશોત્સવ મારો ઉત્સવ…. બાળકના માનસમાં આ ભાવ ઉદભવે એવો નવતર અભિગમ કચ્છ જિલ્લાની કુનરીયા પ્રાથમિક શાળાએ આ વર્ષે શાળા પ્રવેશોત્સવમાં અમલી કર્યો છે. વૈશ્વિક મહામારી કોવીડ-૧૯ કોરોનાના પગલે બાળકોના સ્વાસ્થ્ય માટે ચિંતિત સરકારે પ્રતિ વર્ષ ઉજવાતો શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ ગત વર્ષની જેમ આ વર્ષે પણ નથી મનાવ્યો. પરંતુ કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના કુનરીયા ગામે આ વર્ષે ધોરણ 1 માં પ્રવેશ પાત્ર એવા ગામના 28 બાળકોના ઘરે શાળા શિક્ષકો અને એસએમસી કમિટિના સભ્યોએ પહોંચી બાળકોનું શાળામાં નામાંકન કરાવ્યું છે.

શાળા આપના દ્વારે આ વિચાર સ્કુલ મેનેજમેન્ટ કમિટિ, (એસએમસી) ની મીટીંગમાં દરેકને આવ્યો અને કોરોના કાળમાં બાળકને શાળા સામે ચાલી ધોરણ 1 માં પ્રવેશ અપાવવા ગઇ. ત્યાં પ્રવેશપાત્ર બાળકને માત્ર શૈક્ષણિક કીટ અને પ્રવેશ પત્ર જ નહીં પણ યાદગીરી રૂપે એક છોડ પણ તેના ઘરના આંગણમાં રોપવામાં આવ્યો. જેની ઉછેરની જવાબદારી બાળકના વાલીને સોંપવામાં આવી છે. આ સાથે પ્રાથમિક શાળાના બાળકો જ્ઞાન સેતુ ચોપડી દ્વારા વિષય સજ્જતા કેળવે એ માટે રાજય સરકારે તૈયાર કરેલી ચોપડી પણ આપવામાં આવી હતી. 28 જેટલાં બાળકોનાં આંગણે કરંજ, લીમડો, સ્પ્તપર્ણી, ગુલમહોર જેવા વૃક્ષો ઉછરશે, તેમની શૈક્ષણિક કારર્કિદીની સાથે પર્યાવરણ જતનના પાઠ ભણશે.