Site icon Revoi.in

વરિષ્ઠ પત્રકાર સાગરિકા ઘોષ બન્યા ટીએમસીના રાજ્યસભાના ઉમેદવાર, 6 વર્ષ પહેલા કરી હતી ટિકિટ નહીં લેવાની વાત

Social Share

નવી દિલ્હી: માત્ર નેતા-અભિનેતાઓ જ નહીં, પણ પત્રકારો પણ પોતાને લઈને કરેલા જાહેર નિવેદનોથી અલગ આચરણ કરતા હોય છે. તૃણમૂલ કોંગ્રેસે રવિવારે સાગરિકા ઘોષને 27 ફેબ્રુઆરીએ યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં પોતાની પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા છે. તેમણે કહ્યું છે કે તેઓ ટીએમસી સુપ્રીમો અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીના સાહસથી પ્રેરીત છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે સાગરિકા ઘોષણની એક જૂની પોસ્ટ સામે આવી છે.

6 વર્ષ જૂની પોસ્ટમાં સાગરિકા ઘોષે કોઈપણ પાર્ટી તરફથી રાજ્યસભાની ટિકિટનો સ્વીકાર નહીં કરવાની વાત કરી હતી. તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે હું કોઈપણ રાજકીય પક્ષમાંથી ક્યારેય પણ રાજ્યસભાની ટિકિટનો સ્વીકાર કરીશ નહીં. હું તમને લેખિતમાં આપી શકું છું અને તમે આ પોસ્ટને સેવ કરી શકો છો.

સાગરિકા ઘોષ એક વરિષ્ઠ પત્રકાર અને લેખક છે. તેમણે નવી દિલ્હીની સેન્ટ સ્ટીફન કોલેજમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે અને ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં રોડ્સ સ્કોલરશિપ પ્રાપ્ત કરી હતી. ઓક્સફોર્ડમાંથી તેમણે આધુનિક ઈતિહાસમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. ટીએમસીના રાજ્યસભાના ઉમેદવાર સાગરિકા ઘોષ 1992માં પત્રકારત્વ ક્ષેત્રમાં આવ્યા અને ધ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા, આઉટલુક અને ધ ઈન્ડિયન એક્સપ્રેસ ન્યૂઝપેપર માટે કામ કરી ચુક્યા છે.

પોતાની કારકિર્દી દરમિયાન સાગરિકા ઘોષે પત્રકારત્વમાં ઘણાં પુરસ્કાર પ્રાપ્ત કર્યા છે. તેમાં સી. એચ. મોહમ્મદ કોયા રાષ્ટ્રીય પત્રકારિતા પુરસ્કાર અને ભારતીય ટેલિવિઝન એકેડમીનો બેસ્ટ એન્કરનો પુરસ્કાર સામેલ છે. તેઓ દૂરદર્શન ના ભૂતપૂર્વ મહાનિદેશક ભાસ્કર ઘોષના પુત્રી છે. સાગરિકા ઘોષે પત્રકાર અને ન્યૂઝ એન્કર રાજદીપ સરદેસાઈ સાથે લગ્ન કર્યા છે.

સાગરિકા ઘોષ સિવાય ટીએમસીએ રાજ્યસભામાં ચૂંટણી માટે અન્ય ત્રણ ઉમેદવારોને નામાંકીત કર્યા છે. તેમાં ભૂતપૂર્વ સાંસદ સુષ્મિતા દેવ, દલિત મટુઆ સમુદાયના નેતા અને ભૂતપૂર્વ સાંસદ મમતા બાલા ઠાકુર અને હાલના રાજ્યસભાના સાંસદ નદીમુલ હક સામેલ છે.

મહત્વપૂર્ણ છે કે 15 રાજ્યોની 56 રાજ્યસભા બેઠકો માટે 27 ફેબ્રુઆરીએ ચૂંટણી થવાની છે. પશ્ચિમ બંગાળમાં રાજ્યસભાની 16 બેઠકો છે. તેમાંથી 14 પર હાલમાં ટીએમસીના સાંસદ છે.