Site icon Revoi.in

સેન્સેક્સમાં 2496 પૉઈન્ટનો જંગી કડાકો, રોકાણકારોના 12 લાખ કરોડ ધોવાયા

Sensex plunges

Sensex plunges

Social Share

મુંબઈ, 19 માર્ચ, 2026 – Sensex plunges પશ્ચિમ એશિયામાં યુદ્ધની સ્થિતિને કારણે ભારતીય શેરબજારોમાં આજે ગુરુવારે જ બ્લેક ફ્રાઈડે જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. બીએસઈ સેન્સેક્સ તેમજ નિફ્ટીમાં આજે કુલ મળી અંદાજે 3200 કરતાં વધુ પૉઈન્ટનો કડાકો બોલી ગયો હતો જેને કારણે રોકાણકારોના 12 લાખ કરોડ ધોવાઈ ગયા છે.

ભારતીય શેરબજાર માટે ગુરુવારનો દિવસ ખૂબ જ ખરાબ રહ્યો. વૈશ્વિક બજારોમાંથી મળેલા ખરાબ સંકેતો અને મોટી વેચવાલીના કારણે બજાર પત્તાના મહેલની જેમ ધરાશાયી થઈ ગયું. છેલ્લા ત્રણ સેશનથી જારી રિકવરી આજે સંપૂર્ણપણે ધોવાઈ ગઈ. સેન્સેક્સ 3.26% અર્થાત આશરે 2,496 અંક તૂટીને 74,207.24 ના નીચલા સ્તર સુધી ચાલ્યો ગયો. બીજી તરફ, નિફ્ટી 50 માં પણ 775.65 અંકોનો ભારે ઘટાડો નોંધાયો અને તે 23,002.15 ના લેવલ પર બંધ થયો. આજના કારોબારી સેશનમાં રોકાણકારોના આશરે 12 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઈ ગયા.

બજારમાં ઘટાડાનું કારણ?

HDFC બેંકના ચેરમેનનું રાજીનામું: એચડીએફસી બેંકના ચેરમેન અતનુ ચક્રવર્તીના રાજીનામાના સમાચારથી બેંકિંગ સેક્ટરમાં ડરનો માહોલ સર્જાયો. છેલ્લા સેશન સુધી બેંકના શેર આશરે 3.39% તૂટીને 53,451.00 ના લો લેવલ પર આવી ગયા.

યુએસ ફેડનો નિર્ણય: અમેરિકી ફેડરલ રિઝર્વે વ્યાજ દરોમાં કોઈ ફેરફાર કર્યો નથી અને મોંઘવારી અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેનાથી વૈશ્વિક રોકાણકારોએ ભારતીય ઇક્વિટીમાંથી પૈસા પાછા ખેંચવાનું શરૂ કર્યું.

ક્રૂડ ઓઈલ: મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધની વચ્ચે બ્રેન્ટ ક્રૂડની વધતી કિંમતોએ ભારતીય ઈકોનોમી અને માર્કેટ સેન્ટિમેન્ટ પર અસર કરી.

ટોપ લૂઝર્સ:

એચડીએફસી બેંક (-5.11%)

બજાજ ફાઈનાન્સ (-4.93%)

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા (-4.82%)

એલ એન્ડ ટી (-4.54%)

કેવી રહી સવારની ચાલ?

આજે, 19 માર્ચની સવારે બજાર ખુલ્યું તે સાથે વેચવાલીનું પૂર આવ્યું. સવારે 9:16 વાગ્યાની આસપાસ સેન્સેક્સ 1,584.43 અંક (2.07%) તૂટીને 75,119.70 ના સ્તર પર આવી ગયો. નિફ્ટી પણ 500.45 અંક (2.10%) ઘટીને 23,277.35 પર પહોંચ્યો. પ્રી-ઓપનિંગ સેશનમાં તો હાલત વધુ ખરાબ હતી, જ્યાં સેન્સેક્સ 2,200 અંક અને નિફ્ટી 580 અંક નીચે ગયા હતા.

આજે બજારમાં ચોતરફ ઘટાડો જોવા મળ્યો. રિયલ્ટી, પ્રાઈવેટ બેંક, ઓટો, ફાઈનાન્શિયલ સર્વિસિસ, પીએસયુ બેંક, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, ડિફેન્સ અને મેટલ સહિત તમામ સેક્ટર લાલ નિશાનમાં હતા. લાર્જકેપની સાથે મિડકેપ અને સ્મોલકેપમાં પણ મોટો ઘટાડો રહ્યો.

આ પણ વાંચોઃ અમદાવાદમાં 2 કરોડની ફેક નોટો સાથે કાર પકડાઈ, આશ્રમના સંચાલક સહિત 6ની ધરપકડ

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ યુદ્ધની અસર

બજારમાં આ હાહાકાર પાછળનું સૌથી મોટું કારણ અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે છેલ્લા 20 દિવસથી જારી જંગ છે. હવે આ યુદ્ધ વિરામ થવાને બદલે વધુ ભભૂકી ઉઠ્યું છે. મિડલ ઈસ્ટમાં એનર્જી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલાના સમાચારોથી સમગ્ર વિશ્વના બજારોમાં ડર બેસી ગયો છે. ઈરાને કતરના ‘રાસ લફાન’ ગેસ ફેસિલિટી (જે વિશ્વના સૌથી મોટા LNG હબ પૈકીનું એક છે) પર મિસાઈલ હુમલો કર્યો છે. જવાબમાં અમેરિકા અને ઈઝરાયેલે પણ ઈરાનના સાઉથ પાર્સ ગેસ ફિલ્ડ અને તેલના ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે. આ યુદ્ધે સમગ્ર વિશ્વની સપ્લાય ચેઈન અને એનર્જી માર્કેટને અસર કરી છે.

ક્રુડનો ભાવ $118 નજીક પહોંચ્યો ભાવ

ગુરુવારે સવારે કાચા તેલની કિંમતોમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો, જે 3% થી વધુ વધી ગઈ છે. બ્રેન્ટ ક્રૂડ (Brent Crude) માં $3.69 અથવા 3.44% ની તેજી આવી અને તે $118.07 પ્રતિ બેરલ પર પહોંચી ગયું. WTI ક્રૂડ પણ $2.29 અથવા 2.38% વધીને $98.61 પર ટ્રેડ કરી રહ્યું છે. યુદ્ધના કારણે કાચા તેલનો સપ્લાય ખોરવાવાનો ખતરો મંડરાઈ રહ્યો છે.

એશિયાઈ બજારોમાં ઘટાડો

આજે સવારથી જ આખા એશિયાના બજારોમાં ભાગદોડ મચી છે. જાપાનનો નિક્કેઈ (Nikkei), હોંગકોંગનો હેંગસેંગ (Hang Seng) અને દક્ષિણ કોરિયાનો કોસ્પી (KOSPI) પણ 3% સુધી તૂટી ચૂક્યા છે. ગિફ્ટ નિફ્ટી (Gift Nifty) પણ 550 પોઈન્ટ નીચે ટ્રેડ કરી રહ્યો હતો.

Exit mobile version