નવી દિલ્હી, 20 મે 2026: સમગ્ર દેશમાં હાલ હવામાનના બે તદ્દન વિપરીત પ્રવાહો જોવા મળી રહ્યા છે. ઉત્તર-પશ્ચિમ અને મધ્ય ભારતમાં સૂર્યદેવ આકરા પાણીએ હોવાથી અસહ્ય લૂ અને ગરમીનું મોજું (હીટવેવ) ફરી વળ્યું છે, જેના કારણે ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા વિવિધ રાજ્યો માટે ગંભીર ચેતવણીઓ જારી કરવામાં આવી છે. બીજી તરફ, દક્ષિણ ભારતમાં ભારે વરસાદ અને અન્ય કેટલાક ભાગોમાં વાવાઝોડાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દેશના અનેક રાજ્યોમાં પારો ગગન આંબી રહ્યો છે, જેને પગલે હવામાન વિભાગે ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશના વિસ્તારો માટે તીવ્ર ગરમીને ધ્યાનમાં રાખીને સર્વોચ્ચ ‘રેડ એલર્ટ’ , પંજાબ અને હરિયાણાના કેટલાક ભાગો માટે ‘ઓરેન્જ એલર્ટ’ જારી કરાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દરમિયાન દેશના મોટાભાગના વિસ્તારોમાં ગરમીનું તીવ્ર મોજું ચાલુ રહેશે. જેમાં હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, દક્ષિણ-પશ્ચિમ બિહાર, છત્તીસગઢ, તેલંગાણા, દરિયાકાંઠાના આંધ્ર પ્રદેશ, યાનમ, મરાઠવાડા અને ઓડિશા રાજ્યોનો સમાવેશ થાય છે. એક તરફ ઉત્તર ભારત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ દક્ષિણ ભારતના રાજ્યો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં કુદરત મહેરબાન થઈ છે. ભારે વરસાદની ચેતવણી (આવતીકાલ સુધી): આંદામાન અને નિકોબાર ટાપુઓ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહે અને લક્ષદ્વીપમાં ભારે વરસાદની સંભાવના છે.
જમ્મુ અને કાશ્મીર, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આંતરિક અને દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા અને ઉત્તરપૂર્વીય (North-Eastern) રાજ્યોમાં તીવ્ર પવન સાથે વાવાઝોડા અને હળવા વરસાદની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે ગરમીના એલર્ટવાળા વિસ્તારોના નાગરિકોને બપોરના સમયે બિનજરૂરી બહાર ન નીકળવા અને હાઇડ્રેટેડ રહેવા માટે ખાસ અપીલ કરી છે.

