કોલકાતાઃ દક્ષિણ આફ્રિકા સામે કોલકાતામાં ચાલી રહેલા પ્રથમ ટેસ્ટના બીજા દિવસે ભારતીય ટીમ માટે મોટી ચિંતાની વાત સામે આવી છે. ટીમ ઇન્ડિયાના કપ્તાન શુભમન ગિલ ડોકીમાં નસ ખેંચાતા રિટાયર્ડ હર્ટ થઈને મેદાન બહાર ગયો હતો. ગિલે પહેલી ઈનિંગમાં માત્ર ત્રણ બોલનો સામનો કર્યો હતો, પરંતુ ગળામાં મોચ આવતાં તેમને તાત્કાલિક બહાર થવું પડ્યું હતું.
બીસીસીઆઈએ જાણકારી આપી છે કે ગિલને ડોકીની નસ ખેંચાઈ ગઈ હતી અને બોર્ડની મેડિકલ ટીમ તેમની તપાસ કરી રહી છે. તેમની ઇજાની ગંભીરતા અને આજે તેઓ મેદાનમાં ઉતરી શકશે કે નહીં, તે તેમની તબિયતની પ્રગતિ પર આધારિત રહેશે. લંચ બ્રેક સુધી ભારતે 4 વિકેટના નુકસાન પર 138 રન બનાવ્યા હતા. બીજા સત્રની શરૂઆતમાં જ વોશિંગ્ટન સુંદર, કે. એલ. રાહુલ અને ઋષભ પંતની વિકેટ પડી ગઈ હતી. થોડા સમય બાદ ધ્રુવ જુરૂલ પણ પેવિલિયન પરત ફર્યો હતો.
વોશિંગ્ટન આઉટ થયા પછી ગિલ ક્રિઝ પર આવ્યો હતો અને આવતાની સાથે જ કવર તરફ ચોગ્ગો મારીને ખાતું ખોલ્યું હતું, પરંતુ થોડા ક્ષણોમાં જ ડોકીમાં તકલીફ થતા ફિઝિયો મેદાન પર દોડી આવ્યા હતા તેમજ નિરીક્ષણ કર્યા બાદ તેને રિટાયર્ડ હર્ટ થવું પડ્યું હતું.
સાઈમન હર્મરની બોલ પર સ્લોગ સ્વીપ કરવાનો પ્રયાસ કરતાં ગિલની ડોકીની પેશીઓમાં ખેંચાણ આવ્યું હતું. 35મા ઓવરમાં, ડ્રિંક્સ બ્રેક બાદ આ ઘટના બની હતી. હાલ સુધી બીસીસીઆઈએ ઇજાની ગંભીરતા અંગે વધુ વિગતો જાહેર કરી નથી, પરંતુ ગિલની ઉપલબ્ધતા અંગે ભારતીય ટીમમાં ચિંતા વ્યાપી છે.

