Site icon Revoi.in

કર્ણાટકના નવા CM બનશે સિદ્ધારમૈયા, ડીકી શિવકુમારને DYCMની જવાબદારી સોંપાઈ

Social Share

બેંગ્લોરઃ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ભવ્ય વિજય બાદ નવા સીએમની પસંદગીને લઈને ભારે ખેંચતાણ જોવા મળી હતી. પૂર્વ સીએમ સિદ્ધારમૈયા અને કર્ણાટક કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ડી.કે.શિવકુમારના નામ ચર્ચાઈ રહ્યાં હતા. તા. 13મી મેના રોજ વિધાનસભાની ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ કોંગ્રેસમાં મુખ્યમંત્રીની પસંદગીને લઈને કોકડુ ગુંચવાયું હતું. દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ અને સિનિયર નેતાઓ વચ્ચે લંબાણપૂર્વકની ચર્ચા બાદ સીએમ પદની પસંદગીને કોકડુ ઉકેલાયું છે. કોંગ્રેસ હાઈકમાન્ડે કર્ણાટકના સીએમ તરીકે સિદ્ધારમૈયાની પસંદગી કરાઈ છે. જ્યારે નાયબ મુખ્યમંત્રી તરીકે ડી.કે.શિવકુમારને જવાબદારી સોંપવામાં આવી છે. બેંગ્લોરમાં આજે સાંજના કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક મળશે. આ ઉપરાંત તા. 20મી મેના રોજ શપથવિધિ સમારોહ યોજાશે.

કર્ણાટકમાં મુખ્યમંત્રી તરીકે પસંદગીને લઈને છેલ્લા ચારેક દિવસથી વિવિધ અટકળો ચાલતી હતી. દરમિયાન હાઈકમાન્ડે પણ શિવકુમાર સહિતના નેતાઓને સમજાવા પ્રયાસો શરૂ કર્યાં હતા. અંતે હાઈકમાન્ડ ડીકે શિવકુમારને સમજાવવામાં સફળ રહી છે. ડી.કે.શિવકુમાર કર્ણાટકના નાયબ મુખ્યમંત્રી ઉપરાંત લોકસભાની ચૂંટણી સુધી કર્ણાટકના પ્રદેશ પ્રમુખની જવાબકારી આપવામાં આવી છે. કોંગ્રેસના સિનિયર નેતા કે.સી.વેણુગોપાલે જણાવ્યું હતું કે, કર્ણાટકના સીએમની પસંદગીને લઈને નિરીક્ષક કમિટીએ નવા ચૂંટાયેલા ધારાસભ્યો અને સ્થાનિક કોંગ્રેસ આગેવાનો સાથે ચર્ચા કરીને રિપોર્ટ સોંપ્યો હતો. નિરીક્ષકોના રિપોર્ટ બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન અડગેએ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે લંબાણપૂર્વકની ચર્ચા કરી હતી. અમારા માટે સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સહિતના કોંગ્રેસના નેતાઓ મહત્વના છે. અંતે સિદ્ધારમૈયાની મુખ્યમંત્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. કર્ણાટકના કોંગ્રેસના તમામ સિનિયર નેતાઓ કાબેલિયત ધરાવે છે. જો કે, સીએમ તરીકે એક જ નેતાની પસંદગી કરવાના હતા. કર્ણાટકમાં ડી.કે.શિવકુમાર એક માત્રી નાયબ મુખ્યમંત્રી હશે.

કોંગ્રેસના સિનિયર નેતા અને કર્ણાટકના પ્રદેશ પ્રભારી રણદીપ સુરજેવાલે જણાવ્યું હતું કે, કર્ણાટકમાં કોંગ્રેસની જીત માત્ર કોંગ્રેસની નહી પરંતુ 6.50 કરોડ જનતાની છે. કર્ણાટકમાં ચૂંટણી વચનપત્રમાં આપેલા વચન પુરા કરવામાં આવશે. કોંગ્રેસના સ્થાનિક નેતાઓ અને સિનિયર નેતાઓને કરેલી મહેનતથી વિધાનસભાની ચૂંટણીમાં ભવ્ય જીત થઈ છે. તેમણે જણાવ્યું હતું કે, 20મી મે ના રોજ શપથવિધિ સમારોહ યોજવામાં આવશે. જેમાં કોંગ્રેસના નેતાઓ ઉપરાંત સહયોગી પાર્ટીઓ અને વિપક્ષના નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવશે.

કોંગ્રેસ હાઈકમાન્ડે સીએમ તરીકે સિદ્ધારમૈયાની પસંદગી કરતા ડી.કે.શિવકુમારના ભાઈએ નારાજગી વ્યક્ત કરી હતી. ડી.કે.શિવકુમારને નાયબ મુખ્યમંત્રીની જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહીં વર્ષ 2024માં યોજનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને કર્ણાટક પ્રદેશ પ્રમુખ તરીકેની જવાબદારી પણ શિવકુમારને સોંપવામાં આવી છે. લોકસભાની ચૂંટણીમાં પહેલા સંગઠનને વધારે મજબુત કરવા માટે પણ શિવકુમારને સુચના આપવામાં આવી છે. તા. 20મી મેના રોજ સિદ્ધારમૈયા અને ડી.કે.શિવકુમારની સાથે મંત્રીમંડળના નેતાઓ શપથ ગ્રહણ કરશે. આગામી દિવસોમાં સિદ્ધારમૈયા-ડીકે શિવકુમાર સરકારના મંત્રીમંડળને લઈને ચર્ચા કરવામાં આવશે.