Site icon Revoi.in

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવથી સ્કૂલોમાં ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડોઃ ભુપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા  સમગ્ર રાજ્યમાં  તારીખ 23 થી25 જૂન 2022 દરમિયાન શાળા પ્રવેશોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુર પ્રાથમિક શાળા ખાતેથી 17 મા કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનું નેતૃત્વ કરીને રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીએ મેમદપુર પ્રાથમિક શાળામાં ધોરણ-1 ના બાળકોને ચોકલેટ આપી મોં મીઠું કરાવી અને પ્રવેશકીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ આ શાળાની મુલાકાત દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો સાથે સંવાદ કરી  ગામમાં શિક્ષણની સ્થિતિની સમીક્ષા કરી તેને વધુ સારી બનાવવા માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા શાળા પ્રાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, દેશના ગ્રોથ એન્જિન ગુજરાતમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યનો છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવે એ માટે  સફળ પ્રયત્નો કર્યા છે. આ ગતિને આગળ વધારવા અમારી સરકાર કાર્યરત છે. સમાજમાં શિક્ષણનો પાયો મજબૂત હોય તો દરેક ક્ષેત્રમાં આગળ વધી શકાય છે અને શિક્ષણ થકી  ટેકનોલોજીનો ઉપયોગ કરી વ્યક્તિ સક્ષમ બની શકે છે.  વર્ષ 2003 થી શરૂ  કરાવેલા આ શાળા પ્રવેશોત્સવથી રાજ્યની શાળાઓમાં ડ્રોપ આઉટ રેશીયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

પ્રવેશોત્સવ દ્વારા ગામમાં ઉત્સાહનો માહોલ ઊભો થાય છે અને ગ્રામજનો પોતાના બાળકોને શાળાએ મોકલવા માટે પ્રોત્સાહિત થાય છે. શિક્ષણ ક્ષેત્રે વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓને પડતી તકલીફો દૂર કરવા અમારી સરકાર કટિબદ્ધ છે. સરકાર દ્વારા મેડિકલ, એન્જિનીયરિંગ જેવા અનેક ક્ષેત્રોમાં શિક્ષણ માટે ઉત્તમ વ્યવસ્થાઓ ઊભી કરી છે. સરકારે શિક્ષણ સાથે સ્વાસ્થ્ય અને સુરક્ષા સહિતના ક્ષેત્રોમાં મહત્વની કામગીરી કરી છે.

બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શાળા પ્રવેશોત્સવના આગળના દિવસે મેમદપુર ગામમાં આયોજિત થયેલ “સેવાસેતુ” નો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત સરકાર નાગરિકોને સામે ચાલીને વિવિધ યોજનાના લાભ ઘરે આંગણે પહોંચાડી રહી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં દરેક યોજનાનો તમામ નાગરિકોને સંપૂર્ણ લાભ મળે એ માટે સરકાર પ્રતિબદ્ધ છે.