Site icon Revoi.in

કોરોનાના કેસ વધતા કેટલાક નિયંત્રણો લગાવાયા, પરંતુ લોકડાઉન નહીં થાયઃ CM રૂપાણી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસ વધતા શહેરી વિસ્તારોમાં કેટલાક નિયંત્રણો મુકવામાં આવ્યાં છે. જેથી રાજ્યમાં ફરીથી લોકડાઉનની અફવાએ જોર પકડ્યું છે. દરમિયાન મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે પ્રજાજોગ સંદેશમાં રાજ્યમાં કોઈ લોકડાઉન આવવાનું નહીં ખાતરી આપી હતી. તેમજ જેમ જેમ કોરોના કેસમાં ઘટાડો થશે તેમ નિયંત્રણો ફરીથી હળવા કરવામાં આવશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યની જનતાને સંબોધતા જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો થયો છે. દેશના અનેક રાજ્યોમાં કેસમાં વધારો થયો છે. તેમાં ગુજરાત પણ બાકાત નથી. રાજ્ય સરકાર પોઝિટિવ કેસને ઘટાડવા, ઝડપથી સારવાર કરાવી અને દર્દીઓ ઝડપથી સાજા થઈને પાછા જાય તેવી કામગીરી કરી રહી છે. સંક્રમણ ઘટાડવા માટે સરકારે કેટલાક પગલા લીધા છે. મહાનગરોની સ્કૂલ-કોલેજોમાં ઓફલાઈન એજ્યુકેશન બંધ કર્યું અને ઓનલાઈન એજ્યુકેશન ચાલુ છે. મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો સમય વધારો છે. આવા નિયંત્રણોથી આપણા રોજીંદા જીવનમાં એગવડતા પડશે. પરંતુ આ બધુ ના છુટકે કરવું પડ્યું છે. સરકાર કોરોનામાં લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે તેની ચિંતા કરતી આવી છે. અગાઉ આવા નિયંત્રણો લગાવવા પડ્યાં હતા. ત્યારે જનતાએ સહકાર આપ્યો છે. સરકારે અત્યાર સુધી જેટલા પણ નિર્ણય કર્યાં છે તેમાં જનતાએ સહકાર આપ્યો છે. આપણા પ્રયાસોની પ્રસંશા સુપ્રીમ કોર્ટ, WHO સહિતની સંસ્થાઓએ કર્યાં છે. જ્યારે ફરીથી કેસોની સંખ્યામાં વધારો થાય છે ત્યારે સરકાર જનતાના સહકારની અપેક્ષા રાખે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, એક બાજુ રાજ્યમાં ટેસ્ટીંગ વધારવામાં આવ્યું છે અને હોસ્પિટલમાં બેડ વધારાયાં છે. તેમજ તમામ દવાઓ ઉપલબ્ધ કરી દીધી છે. આ ઉપરાંત રસીકરણ અભિયાન પણ ચાલી રહ્યું છે. મુખ્યમંત્રી તરીકે ખાતરી આપું છું કે, હવે નવું કોઈ લોકડાઉન થવાનું નથી. કોઈના ધંધા રોજગારને અસર ન થાય તેનું ધ્યાન રાખવામાં આવી છે. થોડા નિયંત્રણ સાથે રાબેતા મુજબ ચાલવાનું છે. કોઈ પણ અફવા ઉપર ધ્યાન આપવું ન જોઈએ. લોકોને ગભરાવવાની જરૂર નથી. કેસ વધ્યાં છે એટલે પગલા લેવાયાં છે. ફરીથી કેસ ઘટશે એટલે બધુ રાબેતા મુજબ થઈ જશે. પહેલા જે રીતે સંયમ રાખ્યો તેવી રીતે સંયમ રાખવો જોઈએ. માસ્કના દંડમાં સરકારને પૈસામાં કોઈ રસ નથી. આ હાઈકોર્ટના આદેશથી આ દંડ કરવામાં આવે છે. આપણે આશા રાખીએ કે કોઈએ દંડ ન ભરવો પડે. તમામ લોકો માસ્ક પહેરે. સંક્રમણ વધ્યું હોય ત્યારે જરૂર હોય તો જ બહાર નીકળીએ. ગભરાવવાની જરૂર નથી પરંતુ સાવચેતી રાખવી જ પડશે. કોરોના હારશે અને ગુજરાત જીતશે.