Site icon Revoi.in

સોનાલી ફોગાટને બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું: CBIએ PA સહિત 2 લોકોને ચાર્જશીટમાં બનાવ્યા આરોપી

x

Social Share

દિલ્હી : સોનાલી ફોગાટ મર્ડર કેસમાં સીબીઆઈએ ચાર્જશીટ દાખલ કરી છે. સોનાલીનું ગોવાના કર્લીઝ બારમાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયું હતું. સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર પર આરોપ છે કે, તે લોકોએ ભેગાં મળીને સોનાલીને બળજબરીથી ડ્રગ્સ આપીને તેની હત્યા કરી હતી. સોનાલીની હત્યા માટે બંનેની સાથે જ  ધરપકડ પણ કરવામાં આવી હતી. હવે સીબીઆઈએ બંને સામે ચાર્જશીટ દાખલ કરી છે. મળેલી માહિતી અનુસાર, માપુસામાં જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ (JMFC) સમક્ષ આ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.

સીબીઆઈએ આ કેસમાં ધરપકડ કરાયેલા સાંગવાન અને સુખવિંદર સિંહની કોલવાલે જેલમાં પૂછપરછ કરી હતી. સીબીઆઈએ ગોવા પોલીસના 500 થી વધુ પાનાના દસ્તાવેજોની પણ તપાસ કરી છે. આમાં સાક્ષીઓના નિવેદન પણ નોંધવામાં આવ્યા છે. સીબીઆઈએ કર્લીના ક્રાઈમ સીનને પણ રિક્રિએટ કર્યું, જ્યાં ફોગાટને કથિત રીતે ડ્રગ આપવામાં આવ્યું હતું. આ કેસમાં હરિયાણાના મુખ્યમંત્રી ખટ્ટર અને ખાપ મહાપંચાયતની માંગણી ઉપર રાજ્ય સરકાર દ્વારા આ કેસમાં સીબીઆઇ તપાસ શરુ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સોનાલી ફોગટની પુત્રી યશોધરા ફોગટે પણ સીબીઆઈ તપાસની માંગણી કરતો પત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને  લખ્યો હતો.

જો કે, આ કેસમાં 23 ઓગસ્ટના રોજ સોનાલી ફોગાટના મૃત્યુ પછી હત્યા કેસની તપાસ કરી રહેલી ગોવા પોલીસને કોઈ નક્કર પુરાવા મળ્યા નથી અને તે ‘હત્યા’ના કોઈ હેતુ પર પહોંચી શકી નથી. શરૂઆતમાં ગોવા પોલીસે અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યો હતો, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. ગોવા પોલીસે અગાઉ જણાવ્યું હતું કે સોનાલી ફોગાટને અંજુના બીચ પર પ્રખ્યાત રેસ્ટોરન્ટ-કમ-નાઈટક્લબ કર્લીઝમાં આરોપીઓએ મેથામ્ફેટામાઈન ડ્રગ્સ (મેથ) પીવા માટે દબાણ કર્યું હતું. આ મહિનાની શરૂઆતમાં, કર્લીઝ રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સની તેલંગાણા પોલીસે ડ્રગના કેસમાં ગોવાના અંજુનાથી ધરપકડ કરી હતી. આ સપ્ટેમ્બરમાં સોનાલી ફોગાટના મૃત્યુ બાદ ધરપકડ કરાયેલા પાંચ લોકોમાં એડવિનનો સમાવેશ થાય છે. જો કે પાછળથી તેને જામીન પર છોડવામાં આવ્યો હતો.

(ફોટો: ફાઈલ)

Exit mobile version