Site icon Revoi.in

હરિયાળા ભારત માટે એરપોર્ટસ પર પર્યાવરણ બચાવવા ખાસ અભિયાન

Social Share

અમદાવાદઃ આ વર્ષે પર્યાવરણ દિને ભારતભરના સાત એરપોર્ટ પર પર્યાવરણલક્ષી અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. મુંબઈ, અમદાવાદ, તિરુવનંતપુરમ, લખનૌ, જયપુર, મેંગલોર અને ગુવાહાટીથી જતા મુસાફરોના સુખદ આશ્ચર્યનો પાર ન રહ્યો. તેમના સામાન પરના ટૅગ સામાન્ય કાગળના ટૅગ જેવા નહોતા પરંતુ વાવેતર કરી શકાય તેવા બીજથી ભરેલા હતા! સમગ્ર ભારતમાં આ સાત એરપોર્ટ પરથી મુસાફરી કરતા લોકોને આશરે 1,500 પ્લાન્ટેબલ બેગેજ ટેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.

અદાણી એરપોર્ટ્સ હોલ્ડિંગ લિમિટેડના (AAHL), પ્રવક્તાએ જણાવ્યું હતુ કે, “પર્યાવરણવાદીઓ હંમેશા કહેતા હોય છે કે હરિયાળી અને પ્રકૃતિને બચાવવાનો સૌથી સરળ રસ્તો શક્ય તેટલા વધુ વૃક્ષો વાવવાનો છે. “આ કારણે જ અમે વિશ્વ પર્યાવરણ દિવસની પૂર્વ સંધ્યાએ અમારા તમામ એરપોર્ટ પરથી આવતા-જતા લોકોને પ્લાન્ટેબલ બેગેજ ટેગ્સનું વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. અમે પર્યાવરણરક્ષાની જરૂરિયાતો અંગે જાગૃતિ વધારવા વિવિધ પહેલ શરૂ કરી છે.”

કોરોનાકાળમાં બાગકામ એ સૌથી વધુ લોકપ્રિય પ્રવૃત્તિઓમાંની એક બની ગઈ હતી. પ્લાન્ટેબલ બેગેજ ટૅગ્સ મુસાફરો માટે પ્રકૃતિ સાથે જોડાવવાનો સરળ અને અસરકારક માર્ગ છે.

પર્યાવરણમિત્ર સમાનના ટૅગ્સમાં શાકભાજીના બીજ, જેમાં લીલા મરચાં, ટામેટાં, રીંગણ, તુલસી અને મેરીગોલ્ડ જેવા ફૂલોનો સમાવેશ થાય છે. વિતરીત તમામ ઓર્ગેનિક બીજના અંકુરણનો દર લગભગ 60-70% છે. જો તે બધાને રોપવામાં આવે અને તેની બરાબર કાળજી લેવાય તો દરેક પેકેટમાંથી 720 થી 1,200 શાકભાજીના છોડ ઉગી શકે છે. આ ખાસ બેગેજ ટેગ્સને પાણીમાં પલાળીને જમીનમાં વાવી શકાય છે, જેથી એક સાધનસંપન્ન અને સુંદર લીલો બગીચો બની શકે.

બેગેજ ટૅગ્સમાં વપરાતો કાગળ લાકડામુક્ત છે, તેને બનાવવા અપસાયકલ કોટન સ્ક્રેપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સ્ટ્રીંગને શણમાંથી બનાવવામાં આવે છે. આ બંને સામગ્રી સરળતાથી અને ઝડપથી બાયોડિગ્રેડેબલ છે, જે પર્યાવરણમાં થતા કચરાને ઘટાડે છે. ઉપરાંત તેમાં વપરાતા રંગો જલીય હોવાથી જો તે રોપવામાં ન આવે તો પણ તે પર્યાવરણને નુકસાન પહોંચાડતા નથી.

પ્લાન્ટેબલ બેગેજ ટૅગ્સ ઉપરાંત એરપોર્ટ પર આવતા મુસાફરોને કોટન બેગમાં છોડ અને રોપાઓનું તેમજ મુસાફરી દરમિયાન ઉપયોગમાં લઈ શકાય તેવી ખાસ કોટન બેગ પણ આપવામાં આવી હતી.

તાજેતરમાં SVPIA પર એરપોર્ટ પર ગ્રીન કવર વધારવાના વૈશ્વિક વિઝન સાથે લગભગ 20 વિવિધ પ્રજાતિઓના 2,000 થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું છે. એક વર્ષ પહેલા એરપોર્ટ પર લગભગ 6000 વૃક્ષો હતા હવે તે વધીને 8000 થઈ ગયા છે. ગ્રીન કવરમાં ઉમેરો અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા SVPI એરપોર્ટ આવી અનેક પહેલો કરી રહ્યું છે, જેનો ઉદ્દેશ ટર્મિનલ બિલ્ડિંગની અંદર અને બહાર હરિયાળી વધારવાનો છે. ખાનગીકરણના 1 વર્ષના ટૂંકા ગાળામાં જ એરપોર્ટે લૉનનો ઉપયોગ કરીને ગ્રીન કવરમાં 1200 ચોરસ મીટર તેમજ જંગલ વિસ્તારમાં 2000 ચોરસ મીટર જેટલો વધારો કર્યો છે.