Site icon Revoi.in

દ્વારકામાં જન્માષ્ટમીના દિને પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા એસટીની ખાસ બસો દોડાવાશે

Social Share

જામખંભાળિયાઃ સૌરાષ્ટ્રમાં સાતમ-આઠમનું અનેરૂ મહાત્મ્ય હોય છે. જેમાં જન્માષ્ટ્રમીનું પર્વ રંગેચંગે ઊજવવામાં આવે છે. દ્વારકાધિશ મંદિરમાં જન્માષ્ટ્રમીના પર્વની વિશેષ ઊજવણી કરવામાં આવે છે. જેમાં ભાગ લેવા માટે ગામેગામથી મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડતા હોય છે. ત્યારે ભાવિકોને કોઈ અગવડ ન પડે તે માટે વિવિધ રૂટ્સ પર ખાસ એસટી બસ દોડાવવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ દ્વારકા ખાતે જન્માષ્ટમીના દિને ભગવાન દ્વારકાધિશના દર્શન માટે મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોય છે. તેથી એસટી નિગમ દ્વારા ખાસ બસો દોડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા.18.08.22 થી તા.21.08.22 દરમિયાન મુસાફરોને આવવા જવા માટે જામનગર એસ.ટી વિભાગ દ્વારા એકસ્ટ્રા બસોનું સંચાલન કરાશે. તા.18.08.22 થી તા.21.08.22 સુધી ડેપો ખાતેથી મુસાફરો એકસ્ટ્રા બસોમાં એડવાન્સ બુકિંગ કરાવી શકશે. તેમજ એક જ ગ્રુપના 51 (એકાવન) થી વધુ મુસાફરો ગ્રુપ બુકિંગ કરાવશે તો એક્સ્ટ્રા બસની સુવિધા એસ.ટી નિગમ દ્વારા આપવામાં આવશે . જેથી ઉપરોક્ત બાબતે દ્વારકા ખાતે જન્માષ્ટમી મહોત્સવ દરમિયાન મુસાફર જનતાને એસ.ટી બસોમાં વધુમાં વધુ લાભ લે તેવો અનુરોધ કરાયો છે. જન્માષ્ટમી પર્વને અનુલક્ષીને મુસાફરોની સુવિધા હેતુ એસ.ટી. દ્વારકાની વધારાની બસો દોડાવશે. દ્વારકા ખાતે આવવા / જવા માટેનું ભાડું નક્કી કરવામાં આવ્યું છે, જેમાં દ્વારકા – હર્ષદનું ભાડુ  94 રૂપિયા, દ્વારકા – જામનગરનું ભાડુ 138 રૂપિયા, દ્વારકા – રાજકોટનું ભાડુ 188 રૂપિયા, દ્વારકા – પોરબંદરનું ભાડુ 123 રૂપિયા, દ્વારકા – સોમનાથનું ભાડુ 204 રૂપિયા, અને દ્વારકા – જુનાગઢનું ભાડું 184 રૂપિયા નક્કી કરાયું છે. સૂત્રોએ ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્રના વિવિધ સ્થળો ઉપરાંત અમદાવાદ સહિત મહાનગરો માટે પણ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ખાસ એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવશે.