નવી દિલ્હી, 10 જૂન 2026: લોકસભા ચૂંટણી બાદ દેશના રાજકીય ક્ષિતિજ પર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળના મોટા રાજકીય પક્ષ તૃણમૂલ કોંગ્રેસનું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસમાં વિલય (ભેળવવા) કરવા અંગેની વાતચીત અંતિમ તબક્કામાં પહોંચી હોવાના અહેવાલો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ટીએમસી સુપ્રિમો મમતા બેનર્જી કોંગ્રેસ સંસદીય પક્ષના અધ્યક્ષ સોનિયા ગાંધીની આ ઓફર સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. મમતા બેનર્જીએ તેમના ભત્રીજા અભિષેક બેનર્જી દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સમક્ષ કેટલીક મહત્વની શરતો પણ રજૂ કરી છે, જેના પર અત્યારે હાઈકમાન્ડ સ્તરે મંથન ચાલી રહ્યું છે.
રાજકીય વર્તુળોમાં વહેતા થયેલા અહેવાલો મુજબ, સોનિયા ગાંધીએ વ્યક્તિગત રીતે મમતા બેનર્જીને ફોન કરીને ટીએમસીનું કોંગ્રેસમાં વિલય કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. સોનિયા ગાંધીએ દલીલ કરી હતી કે, ટીએમસી પર ભાજપના સતત વધી રહેલા રાજકીય હુમલા અને કેન્દ્રીય એજન્સીઓના દબાણને જોતાં જો પક્ષો એક નહીં થાય, તો ભાજપ તેમને આમ આદમી પાર્ટીની જેમ હેરાન કરી શકે છે. આ ઉપરાંત ટીએમસીના આંતરિક સભ્યો પણ અભિષેક બેનર્જીની કાર્યશૈલી વિરુદ્ધ હોવાથી ભવિષ્ય મુશ્કેલ બની શકે છે.
દરમિયાન કોંગ્રેસ દ્વારા મમતા બેનર્જીને કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવાની તથા સાંસદ અભિષેક બેનર્જીને કોંગ્રેસમાં રાષ્ટ્રીય મહાસચિવનું પદ આપવાની ઓફર કરી હોવાનું જાણવા મળે છે. બીજી તરફ છેલ્લા બે દિવસમાં મમતા બેનર્જીએ સોનિયા ગાંધીના નિવાસસ્થાન ’10જનપથ’ ખાતે બે વાર મુલાકાત લીધા બાદ આ અટકળોને જોર મળ્યું હતું. આ બેઠકો દરમિયાન બંને નેતાઓ અત્યંત ઉષ્માભેર મળ્યા હતા અને એકબીજાને ગળે લગાવ્યા હતા. ત્યારબાદ દિલ્હીમાં જ રાહુલ ગાંધી અને અભિષેક બેનર્જી વચ્ચે લગભગ દોઢ કલાક સુધી મેરેથોન બેઠક ચાલી હતી, જેમાં વિલયની બ્લુપ્રિન્ટ અને શરતો અંગે વિસ્તૃત ચર્ચા થઈ હોવાનું મનાય છે.
-
મમતા બેનર્જીએ રાખી શરતો !
અભિષેક બેનર્જીએ રાહુલ ગાંધી સાથેની મુલાકાતમાં મમતા બેનર્જી વતી કેટલીક નવી શરતો ઉમેરી છે, જે અનુસાર મમતા બેનર્જીને વિલય બાદ તુરંત રાજ્યસભામાં મોકલવામાં આવે. અને તેમને સંસદના ઉપલા ગૃહ એટલે કે રાજ્યસભામાં ‘વિપક્ષના નેતા’નું પ્રતિષ્ઠિત પદ સોંપવામાં આવે. જોકે, રાજ્યસભામાં વિપક્ષના નેતાના પદ અંગે કોંગ્રેસ પક્ષ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા કે આખરી મંજૂરી જાહેર કરવામાં આવી નથી. જો આ વિલય પ્રક્રિયા સફળ રહેશે, તો પશ્ચિમ બંગાળ સહિત દેશના રાજકારણમાં સત્તા અને વિપક્ષના સમીકરણો સંપૂર્ણપણે બદલાઈ જશે.

