Site icon Revoi.in

મુલાયમસિંહ યાદવ પરિવારમાં ભાગલાઃ પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાયાં

Social Share

દિલ્હીઃ ઉત્તરપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને તાજેતરમાં જ ભાજપના કેટલાક રાજકીય આગેવાનો રાજીનામું આપ્યા બાદ સપામાં જોડાયાં હતા. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને સમાજવાદી પાર્ટી વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળી રહ્યો છે. જો કે, હવે સમાજવાદી પાર્ટીને ભાજપે મોટો આંચકો આપ્યો છે. સપાના સ્થાપક અને પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ સપાની સાયકલની સવારી છોડીને આજે ભાજપમાં જોડાયાં હતા.

પૂર્વ મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવની પુત્રવધુ અપર્ણા યાદવ ભાજપમાં જોડાય તેવી શકયતાઓ છેલ્લા કેટલાક દિવસોથી વ્યક્ત થઈ રહી હતી. આ દરમિયાન અખિલેશ યાદવે કહ્યું હતું કે, અપર્ણા યાદવ પરિવારના સભ્ય છે અને આ પરિવારનો મુદ્દો છે જેનો નિકાલ લાવવામાં આવશે. દરમિયાન આજે અપર્ણા યાદવ ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશમ મૌર્ય સહિતના ભાજપના આગેવાનોની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરી ખેસ ધારણ કર્યો હતો. આ દરમિયાન ભાજપના ઉત્તરપ્રદેશના પ્રદેશ પ્રમુખે જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશમાં સપાના શાસનમાં ગંડુગદ્દીને વધારે મહત્વ આપવામાં આવતું હતું. પોલીસ કોઈ ગુનેગારની ધરપકડ કરે તો પોલીસ અધિકારીને ફોન ઉપર મુક્ત કરવા માટે સૂચના આપવામાં આવતી હતી.

ઉત્તરપ્રદેશના નાયબ મુખ્યમંત્રી કેશવ મૌર્યાએ જણાવ્યું હતું કે, પીએમ મોદીના શાસનમાં દેશનો વિકાસ થયો છે. ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શાસનમાં લોકહિતના કાર્યકરો કરવામાં આવ્યાં છે. બીજી તરફ અખિલેશ યાદવ પોતાના પરિવારમાં નિષ્ફળ રહ્યાં છે. એટલું જ નહીં અખિલેશ મુખ્યમંત્રી તરીકે અને સંસદ તરીકે પણ નિષ્ફળ રહ્યાં છે.