Site icon Revoi.in

ભારતીય મહિલા હોકી ટીમના કોચે લીધો ચોંકાવનારો નિર્ણય, ચાહકો પણ શોકમાં

Social Share

નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારતીય મહિલા હોકી ટીમે કોચ શોર્ડ મારિનના વડપણ હેઠળ દમદાર પ્રદર્શન કર્યું હતું. જો કે, હવે ભારતીય મહિલા હોકી ટીમના કોચ શોર્ડ મારિને ચોંકાવનારો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું હતું કે, ઓલિમ્પિક ગેમ્સમાં ગ્રેટ બ્રિટન વિરુદ્વ બ્રોન્ઝ મેડલનો પ્લેઑફ મુકાબલો આ ટીમ સાથે તેમની છેલ્લી જવાબદારી હતી.

આપને જણાવી દઇએ કે 47 વર્ષીય કોચ શોર્ડ મારિનની દેખરેખમાં ભારતીય મહિલા હોકી ટીમે ઓલિમ્પિક ગેમમાં શ્રેષ્ઠ અને નોંધપાત્ર પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમ ચોથા સ્થાને રહી તેનો શ્રેય પણ તેમની ટ્રેનિંગને આપવામાં આવી રહ્યો છે.

ગ્રેટ બ્રિટન વિરુદ્ધ ભારતીય મહિલા હોકી ટીમે 3-4થી હારનો સામનો કરવો પડ્યો. આ મેચ પૂરી થયાના ગણતરીના કલાકોમાં કોચ શોર્ડ મારિને રાજીનામું આપવાની જાહેરાત કરી. નેધરલેન્ડના આ પૂર્વ ખેલાડીએ કહ્યું કે ‘મારો કોઈ પ્લાન નથી. કારણ કે ભારતીય મહિલાઓ સાથે આ મારી છેલ્લી મેચ હતી. આ હવે જાનેકા (શોપમેન)ને હવાલે છે.’

એ પણ જાણવા મળ્યું છે કે શોર્ડ મારિન અને ટીમના વિશ્લેષણાત્મક કોચ જાનેકા શોપમેન બંનેને SAI તરફથી કાર્યકાળ વધારવાની રજુઆત કરાઈ હતી. પરંતુ મુખ્ય કોચે અંગત કારણોસર આ પ્રસ્તાવ ન સ્વીકાર્યો.

હવે જાનેકા શોપમેન ફૂલટર્મ બેસિસ પર મારિનનું પદ સંભાળે તેવી આશા અને શક્યતા છે. મારિનને વર્ષ 2017માં ભારતીય મહિલા હોકી ટીમના કોચ નિયુક્ત કરવામાં આવ્યા હતા. તેમને ત્યારબાદ પુરુષ ટીમના કોચ બનાવી દેવાયા હતા.

જો કે 2018માં શોર્ડ મારિનને ફરીથી મહિલા હોકી ટીમના કોચ બનાવવામાં આવ્યા. મારિને નેધરલેન્ડ માટે રમત રમી છે અને તેમની દેખરેખમાં નેધરલેન્ડની અંડર 21 મહિલા ટીમે વર્લ્ડ કપ જીત્યો અને સીનિયર મહિલા ટીમે 2015માં હોકી વર્લ્ડ લીગ સેમી ફાઈનલમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.