Site icon Revoi.in

ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ તો જાહેર થયું પણ કોલેજોમાં પ્રવેશ અંગે અનિશ્વિતતા

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જ વિદ્યાર્થીઓ કોલેજના પ્રથમ વર્ષના પ્રવેશ માટે આતુર બન્યા છે. સામાન્ય રીતે પરિણામ જાહેર થાય તેની સાથે કોમર્સ, બીબીએ-બીસીએ સહિતની કોલેજમાં પ્રવેશ માટેની કાર્યવાહી કયારે શરૂ કરવામાં આવશે તેની જાહેરાત કરવામાં આવતી હોય છે. પણ હજુ સુધી યુનિવર્સિટી દ્વારા આ મુદ્દે કોઇ સ્પષ્ટતા કરી નથી. કેટલી બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા થશે તે અંગે પણ પ્રવેશ સમિતિના સભ્યો કશું કહેવા તૈયાર નથી.

શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કર્યા બાદ હાલમાં ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જ્યારે ધો.12 સામાન્ય પ્રવાહનું પરિણામ આજે જાહેર કરાયું છે. સામાન્ય પ્રવાહમાં પણ માસ પ્રમોશનના કારણે ચાલુ વર્ષે પ્રવેશ ધસારો રહેશે તેવું માનવામાં આવે છે. ગતવર્ષે પ્રવેશ સમિતિ દ્વારા  40 હજારથી વધારે બેઠકો માટે પ્રવેશ કાર્યવાહી કરવામાં આવી હતી. ચાલુ વર્ષે આ બેઠકો યથાવત રહી છે કે તેમાં વધારો કે ઘટાડો થયો છે તે મુદ્દે પણ કોઇ સ્પષ્ટતા કરવા તૈયાર નથી. પરિણામની સાથે જ રજિસ્ટ્રેશન કયારે અને કેવી રીતે થશે તેની પણ જાહેરાત કરવામાં આવતી હોય છે. હાલની સ્થિતિ એવી છે કે યુનિવર્સિટી સત્તાધીશો અને પ્રવેશ સમિતિના પૂર્વ સભ્યો પૈકી કોઇ પ્રવેશ પ્રક્રિયા અંગે કશું કહેવા તૈયાર નથી.

સૂત્રોએ જણાવ્યું હતુ કે, ગુજરાત યુનિ. સંલગ્ન ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિના હવાલે કરવાના મુદ્દે ભારે વિવાદ ચાલી રહ્યો છે. આ સ્થિતિમાં યુનિવર્સિટી સાથે કેટલી કોલેજો રહેશે કે જશે તે મુદ્દે પણ અનિશ્ચિતતા જોવા મળી રહી છે. સૂત્રો કહે છે કેટલીક કોલેજો યુનિવર્સિટીમાંથી દૂર થવાની ચર્ચા ચાલી રહી છે. નિયમ પ્રમાણે આ કોલેજો દૂર થવાની હોય તો પહેલાથી લેખિત કાર્યવાહી સહિતની ઔપચારિક્તા પૂરી કરવી પડતી હોય છે. હજુ સુધી કોઇપણ કોલેજ તરફથી આ પ્રકારની રજૂઆત આવી છે તેવી સ્પષ્ટતા યુનિવર્સિટી દ્વારા પણ કરવામાં આવી નથી. આ સ્થિતિ સ્પષ્ટ થયા પછી જ પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય તેવી પણ શક્યતા છે.

(PHOTO-FILE)