Site icon Revoi.in

ધો. 12નું પરિણામ ઊંચુ આવ્યુ હોવા છતાં ઈજનેરી કોલેજોમાં 50 ટકા બેઠકો ખાલી રહેવાની શક્યતા

Social Share

અમદાવાદઃ રાજ્યમાં તાજેતરમાં જ ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કરાયુ હતું આ પરિણામ ગત વર્ષ કરતા વધુ આવ્યુ છે. પરંતુ વિદ્યાર્થીઓને ઈજનેરી પ્રવેશમાં કોઈ મુશ્કેલી પડશે નહીં. ગત વર્ષે પણ એન્જિનિયરીંગની વિવિધ બ્રાન્ચોની અનેક જગ્યાઓ ખાલી રહી હતી. અને આ વર્ષે પણ એન્જિનિયરીંગ કોલેજોમાં 20 થી 60 ટકા સુધીની બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ આ વખતે  ગુજરાત બોર્ડનું ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 72.02 ટકા જાહેર થયું છે. 2020માં 71.74 ટકા હતું. શિક્ષણવિદોના કહેવા પ્રમાણે 26,183 વિદ્યાર્થીઓ જ ગ્રુપ-એમાં ઉર્તિણ થયા છે તેમાંથી 24,000 એન્જિનિયરીંગમાં પ્રવેશ મેળવવા માટે લાયક છે. રાજ્યમાં સરકારી-ખાનગી સહિતની એન્જિનિયરીંગ કોલેજોમાં કુલ 66,000 બેઠકો ઉપલબ્ધ છે જેને લક્ષમાં લેવામાં આવે તો મોટી સંખ્યામાં સીટો ખાલી રહેશે. સીબીએસઇના વિદ્યાર્થીઓની પણ ગણતરી કરવામાં આવે તો પણ સરકારી કોલેજોમાં 20 ટકા અને ખાનગી કોલેજોમાં 60 ટકા બેઠકો ખાલી રહી શકે છે. આ પરીક્ષામાં કુલ 95,361 વિદ્યાર્થીઓ હતા તેમાંથી 67681 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. ગ્રુપ-એમાં 33,369 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી જેમાંથી 26,183 પાસ થયા છે તે પૈકી 2299 ડી ગ્રેડમાં પાસ થયા છે. એન્જિનિયરીંગમાં પ્રવેશ માટે ન્યુનત્તમ 45 ટકા માર્કસ અનિવાર્ય છે. ડી ગ્રેડનાં 2299માંથી થોડાક પ્રવેશને પાત્ર રહી શકશે. બધી ગણતરી કરવામાં આવે તો પણ એન્જિનિયરીંગ કોલેજોમાં હજારો બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, આ વખતે પણ ખાનગી કોલેજોને જ સૌથી વધુ ફટકો પડવાની ભીતિ છે. શિક્ષણવિદોના કહેવા પ્રમાણે એન્જિનિયરીંગ અભ્યાસક્રમ તરફ વર્ષોવર્ષ વિદ્યાર્થીઓને રસ ઓછો થઇ રહ્યો છે. 2013માં 74226 વિદ્યાર્થીઓએ ગ્રુપ-એમાં પરીક્ષા આપી હતી, 2021માં માત્ર 44546 વિદ્યાર્થીઓ ગ્રુપ-એમાં હતા, 2020માં તે સંખ્યા 34440 હતી. વિદ્યાર્થીઓમાં એન્જિનિયરીંગ પ્રત્યેનો રસ ઓછો થઇ રહ્યો છે. માત્ર કોમ્પ્યુટર અને આઈટીમાં આકર્ષણ છે. કારણ કે તેમાં સરળતાથી નોકરી મળી જાય છે. એન્જિનિયરીંગ કોલેજોએ ટકવું હશે તો ફરજિયાત ઇન્ટરશીપ ઉદ્યોગો તરફ અભ્યાસ વધારવા સહિતના કદમ ઉઠાવવા પડશે. સ્કૂલોમાં રુબરુ જઇને વિદ્યાર્થીઓને એન્જિનીયરીંગ વિષે માહિતગાર કરવા પડશે. એ ગ્રુપમાં ઘટતા વિદ્યર્થીઓની સામે બી ગ્રુપમાં સંખ્યા વધી રહી છે. હોમિયોપેથી, આયુર્વેદ, નર્સિંગ જેવા ક્ષેત્રોમાં રસ વધી રહ્યો છે. એન્જિનિયરીંગને લાગેવળગે છે ત્યાં સુધી કોલેજો માટે પડકારજનક સમય ઉદ્દભવ થવાની શક્યતા છે. આઈટી અને કોમ્પ્યુટર એન્જિનિયરીંગને બાદ કરતાં અન્ય અભ્યાસક્રમોમાં પૂરતા વિદ્યાર્થીઓ મળવા મુશ્કેલ બનશે.

Exit mobile version