- ચૈતર વસાવા અને કોંગ્રેસના અનંત પટેલે આદિવાસીઓની વ્યથા રજૂ કરી છેઃ કોંગ્રેસ
- સોશિયલ મીડિયાએ આવાં નિવેદનો અંગે ચિંતા વ્યક્ત કરી
અલકેશ પટેલ, અમદાવાદ, 17 નવેમ્બર, 2025: statements by Chaitar Vasava about Gen-z and alcohol and poultry આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અત્યંત વિવાદાસ્પદ નિવેદન કરીને ફરી ચર્ચામાં છે. વસાવાના આ નિવેદનોને કોંગ્રેસે આવકાર્યા છે તો તેની સામે અનેક લોકોએ સોશિયલ મીડિયામાં આક્રોશ અને ચિંતા વ્યક્ત કર્યા છે. જોકે, આ અંગે ભાજપના પ્રવક્તાનો સંપર્ક સાધવામાં આવ્યો હતો પરંતુ તેમના તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો નથી.
વાસ્તવમાં વસાવાએ બિરસા મુંડાની 150મી જન્મજયંતી નિમિત્તે ભરૂચના નેત્રંગમાં રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને એ ભીડ જોઈને તાનમાં આવી ગયેલા આપના ધારાસભ્યે જે નિવેદનો કર્યાં તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.
રાજ્યના સંવેદનશીલ નાગરિકોએ વસાવાના આ નિવેદનોને ગંભીર ગણીને તેની પાછળ કોઈ મોટું કાવતરું ઘડાઈ રહ્યું હોવાની આશંકા વ્યક્ત કરી છે. એવો પ્રશ્ન પણ ઉપસ્થિત થયો કે, “તો આદિવાસીઓના હિતેચ્છુ બનવા માટે મરઘો મારવો પડે? બકરો કાપીને મહુડાનો દેશી દારૂ પીવો પડે?”
એક રાષ્ટ્રવાદી પત્રકારે પણ સોશિયલ મીડિયામાં આ મુદ્દો ઉપસ્થિત કરીને ચૈતર વસાવાનાં નિવેદનો પ્રત્યે ચિંતા વ્યક્ત કરી.
શું હતા વસાવાનાં નિવેદનો?
નેત્રંગની રેલીમાં તાનમાં આવી ગયેલા આપના ધારાસભ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકારતા કહ્યું હતું કે, વડાપ્રધાનને જો ખરેખર આદિવાસીઓ પ્રત્યે હમદર્દી હોય તો તેમણે મહુડાનો દેશી દારુ પીવો જોઈએ અને મરઘો કાપીને ત્યાં જ તેનો પ્રસાદ ગ્રહણ કરવો જોઈએ.
પોતાને આદિવાસીઓના હિતેચ્છુ હોવાનું જણાવીને આમ આદમી પાર્ટીના આ ધારાસભ્ય એક ડગલું આગળ વધી ગયા અને ત્યાં સુધી નિવેદન કરી દીધું કે, આદિવાસીઓને ન્યાય નહીં મળે તો અમે નેપાળની ઘટનાનું પુનરાવર્તન કરીને ગાંધીનગર સુધી પહોંચી જઈશું, તે દિવસે તમારી સાથે અમારો સામનો થશે, એ દિવસે તમને ખબર પડશે.
સોશિયલ મીડિયા અને કોંગ્રેસે શું પ્રતિભાવ આપ્યા?
આ અંગે કોંગ્રેસના વરિષ્ઠ નેતા મનીષ દોશીનો સંપર્ક સાધવામાં આવતા તેમણે કહ્યું કે, ચૈતરભાઈ આદિવાસીઓના આક્રમક નેતા છે એટલે તેમણે આ રીતે વાત કરી છે. તેમણે જણાવ્યું કે, કોંગ્રેસના ધારાસભ્ય અનંતભાઈ પટેલે પણ નેતંત્રની એ રેલીને જોશપૂર્વક સંબોધન કર્યું હતું. જોકે ત્યારબાદ મનીષભાઈએ તરત વાત અલગ દિશામાં વાળીને ગુજરાત સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી આવે ત્યારે જ ભાજપને આદિવાસી યાદ આવે છે. કોંગ્રેસ નેતાએ રાઈટ ટુ ફોરેસ્ટ એક્ટનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે, આ કાયદાના અમલનો સૌથી નીચો દર ગુજરાતમાં છે. શિક્ષણ, આરોગ્ય અને રોજગારી જેવા મુદ્દા આદિવાસી સમાજની સૌથી તાકીદની સમસ્યાઓ છે અને અમે એ અંગે સતત લડત આપી રહ્યા છીએ તેમ જણાવી મનીષ દોશીએ કહ્યું કે, હકીકતે આદિવાસીઓ બાબતે ભાજપના ચાવવાના અને બતાવવાના દાંત જૂદા છે.
અલબત્ત, સોશિયલ મીડિયામાં ચૈતર વસાવાના નિવેદનની આકરી ટીકા થઈ રહી છે. એક યુઝરે X ઉપર આ વિશે વિસ્તૃત પોસ્ટ કરીને પ્રશ્ન ઉઠાવ્યો. તેમણે કહ્યુંઃ
“*વિકાસ જીતશે કે અરાજકતા???*
નેપાળનું પુનરાવર્તન કરવાની વારંવાર ધમકીઓ!!! શું આ કોઈ મોટા ષડયંત્ર તરફ ઈશારો નથી કરતું?
આજે ફરી એકવાર દેશમાં નેપાળની ઘટનાનું પુનરાવર્તન કરવાની ધમકીઓ આપવામાં આવી હતી. પ્રસંગ બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતીનો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં હતા (તે સ્થળ જ્યાં ૨૦૦૩માં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેમણે શાળા પ્રવેશ ઉત્સવ દ્વારા ગુજરાતમાં કન્યા શિક્ષણ અભિયાન શરૂ કર્યું હતું). આજે, ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવાએ પણ નેત્રંગમાં એક જન્મજયંતી કાર્યક્રમમાં પોતાના સમર્થકોને સંબોધિત કર્યા અને આગામી દિવસોમાં ગાંધીનગરમાં નેપાળની ઘટનાનું પુનરાવર્તન કરવાની ધમકી આપી. આદિવાસી પરંપરાઓનો ઉલ્લેખ કરીને, તેમણે માત્ર વડા પ્રધાનપદની ગરિમાને જ નબળી પાડી નહીં પરંતુ તેમના સમર્થકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ પણ કર્યો. ધારાસભ્ય તરીકે, ચેતર વસાવ ફક્ત તેમના ઘમંડને કારણે હેડલાઇન્સમાં રહ્યા છે.
ચૈતર વસાવાના બંને નિવેદનો સાંભળો. આવા ભડકાઉ નિવેદનો પાછળનો હેતુ તમને આપોઆપ સમજાઈ જશે.”
આ પોસ્ટમાં આગળ કહેવામાં આવ્યું છે કે,
“જન-ઝીને ઉશ્કેરવાના સતત પ્રયાસો સફળ થઈ રહ્યા નથી… કેમ???
જો આ પ્રયાસો સફળ થયા હોત, તો ગઈકાલે પ્રધાનમંત્રીના રોડ શોમાં આદિવાસીઓનો ઉત્સાહ જોવા ન મળ્યો હોત… બીજી તરફ, વલસાડ સાંસદના કાર્યક્રમમાં હજારો આદિવાસી યુવાનો એકઠા ન થયા હોત!!!
આ સમજવા માટે, આપણે ચિત્રની બીજી બાજુ સમજવાની જરૂર છે: છેલ્લા 25 વર્ષમાં ગુજરાતમાં આદિવાસીઓના વિકાસ માટે શું કરવામાં આવ્યું છે… તેમના માટે કેટલી તકો ઉભી કરવામાં આવી છે…
જ્યારે પણ દેશમાં આદિવાસીઓના સર્વાંગી વિકાસની ચર્ચા થાય છે, ત્યારે ગુજરાત, તેની આગવી ઓળખ સાથે, મોખરે હોય છે. અહીં, પ્રગતિ ફક્ત સંખ્યામાં જ નહીં, પરંતુ આદિવાસીઓના જીવનમાં પણ પ્રતિબિંબિત થઈ છે…
વિકાસની આ યાત્રા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન શરૂ થઈ હતી. આદિવાસી સમુદાયના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટે તેમણે લીધેલા પગલાંની અસર હજુ પણ જમીન પર દેખાય છે.
૨૦૦૩માં, ગુજરાતમાં શાળા છોડી દેવાનો દર ઘટાડવા માટે, મોદીએ શાળા પ્રવેશોત્સવ (શાળા પ્રવેશોત્સવ) શરૂ કર્યો. મુખ્યમંત્રી સહિત સમગ્ર તંત્રએ ત્રણ દિવસ માટે ગ્રામીણ વિસ્તારોમાં પ્રવાસ કર્યો. મોદીએ પોતે આદિવાસી વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને તેમણે જે પ્રથમ વિસ્તારની મુલાકાત લીધી તે ડેડિયાપાડા હતો. આ પરંપરા પણ અનોખી છે.
આદિવાસી સમુદાયને ઉજ્જવળ ભવિષ્ય પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે ૨૦૦૭માં શરૂ કરાયેલ વનબંધુ કલ્યાણ યોજના હેઠળ પસંદ કરાયેલ ૧૦-મુદ્દાના કાર્યક્રમમાં શિક્ષણ એક મુખ્ય તત્વ હતું. આ યોજના દ્વારા, રાજ્યભરમાં ૭૪ આદિવાસી રહેણાંક શાળાઓ, ૫૪ એકલવ્ય મોડેલ રહેણાંક શાળાઓ, ૪૩ કન્યા સાક્ષરતા રહેણાંક શાળાઓ, ૧૨ મોડેલ શાળાઓ, ૬૬૫ આશ્રમ શાળાઓ, ૧૭૬ સરકારી છાત્રાલયો, ૨૧ સમરસ છાત્રાલયો અને ૯૦૯ સહાયિત છાત્રાલયોની સ્થાપના કરવામાં આવી છે, જે ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણના પ્રસાર પર ભાર મૂકે છે.
રાજ્યના આશરે ૧૪ જિલ્લાઓમાં આદિવાસી સમુદાયોને ઉદ્યોગસાહસિકતા અને કૌશલ્ય તાલીમ આપવામાં આવી રહી છે, જે તેમને નવી તકો સાથે જોડે છે. ગુજરાત સરકારના ઉદ્યોગસાહસિક તાલીમ મોડેલમાં 42 કૌશલ્ય અપગ્રેડેશન કેન્દ્રો, એન્કર સંસ્થાઓ, ઉદ્યોગ-આધારિત બ્રિજ કોર્ષ અને વિશિષ્ટ કૌશલ્ય વિકાસ કેન્દ્રોનો સમાવેશ કરતી એક સંકલિત અને મજબૂત સિસ્ટમનો સમાવેશ થાય છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી પ્રેરિત થઈને, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકાર આદિવાસી સમુદાયોના સર્વાંગી વિકાસ માટે સતત કામ કરી રહી છે. છેલ્લા ચાર વર્ષોમાં, ગુજરાત સરકારે આદિવાસી યુવાનોમાં આત્મનિર્ભરતા અને ઉદ્યોગસાહસિકતા કેળવવા માટે નોંધપાત્ર પહેલ કરી છે. આશરે ₹2 કરોડના રોકાણ સાથે, 1,000 થી વધુ આદિવાસી યુવાનોને ઉદ્યોગસાહસિકતા તાલીમ આપવામાં આવી છે. આમાંથી 120 થી વધુ યુવાનો આજે સફળતાપૂર્વક પોતાના વ્યવસાયો ચલાવી રહ્યા છે, આત્મનિર્ભરતાના ઉદાહરણ રજૂ કરી રહ્યા છે.
વધુમાં, કૌશલ્ય વિકાસના ક્ષેત્રમાં, 2021-22 થી 2024-25 ના સમયગાળા દરમિયાન 1,300 થી વધુ આદિવાસી યુવાનોને તાલીમ આપવામાં આવી છે. તેમાંથી 223 આદિવાસી યુવાનોએ તેમની તાલીમ પૂર્ણ કરી છે અને સીધી રોજગારીની તકો મેળવી છે.
વધુમાં, યુવા આદિવાસી સમુદાયને આર્થિક રીતે સશક્ત બનાવવા અને તેમને આત્મનિર્ભર બનાવવા માટે કાયદાના સ્નાતકો માટે શિષ્યવૃત્તિ સહાય યોજના, GPSC વર્ગ-1/2 અને SPIPA પ્રવેશ પરીક્ષા કોચિંગ, PPP મોડેલ હેઠળ વ્યાવસાયિક તાલીમ કેન્દ્રો, ઉચ્ચ કક્ષાની કૌશલ્ય તાલીમ યોજના અને કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ જેવી પહેલો અમલમાં મૂકવામાં આવી રહી છે.”
તો અન્ય એક યુઝર @kathiyawadiii એ પ્રશ્ન ઉપસ્થિત કર્યો કે, આદિવાસીના હિતેચ્છુ હોવા માટે મરઘો કાપવો પડે, દારુ પીવો પડે?
આદિવાસીઓના હિતેચ્છુ બનવા માટે મરઘો મારવો પડે?
બકરો કાપીને મહુડાનો દેશી દારૂ પીવો પડે?ધારાસભ્ય @Chaitar_Vasava જે બોલી રહ્યા છે એ જો સત્ય હોય તો @ArvindKejriwal અને @Gopal_Italia એ પણ આદિવાસીઓના હિત માટે બકરો કાપવો જોઈએ.. કે પછી સ્વાદ ચાખી લીધો? #Gujarat https://t.co/EcYme0WELX pic.twitter.com/RTR7dgmIHz
— Sagar Patoliya (@kathiyawadiii) November 15, 2025
અન્ય એક પત્રકાર ઉત્કલ ઠાકોરે પણ તેમના સોશિયલ મીડિયા ઉપર આવા જ મતલબનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો છે અને વસાવાના ઈરાદા સામે આશંકા વ્યક્ત કરી છે.

