Site icon Revoi.in

ગુજરાત યુનિ.ની સાયન્સ કોલેજોમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને જૂન સુધી રાહ જોવી પડશે

Social Share

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા  ધોરણ-12 સાયન્સનું પરિણામ થઈ ગયું છે. પરંતુ પ્રથમ વર્ષ બીએસસીમાં ગુજરાત યુનિ. સંલગ્ન કોલેજોમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓને જુનના પ્રથમ સપ્તાહ સુધી રાહ જોવી પડશે, જોકે તમામ વિદ્યાર્થીએને પ્રવેશ મળી જશે. ગત વર્ષે પ્રવેશ બાદ 6000 જેટલી બેઠકો ખાલી રહી હતી. અને આ વખતે પણ 6000થી વધુ બેઠકો ખાલી રહે તેવી શક્યતા છે.

ધો.12 સાયન્સનું પરિણામ આવ્યા બાદ માત્ર સાયન્સ કોલેજોમાં પ્રવેશ લેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓને પણ જૂન સુધી રાહ જોવી પડશે. ગુજરાત યુનિવર્સિટી દ્વારા હવે ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયાની કામગીરી કોને સોંપવી તે માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની તૈયારી શરૂ કરી છે. મેના અંતમાં અથવા તો જૂનના પ્રથમ સપ્તાહ સુધીમાં સાયન્સ કોલેજમાં પ્રવેશ માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થાય તેવી શક્યતા છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત યુનિવર્સિટી સાથે જોડાયેલી અંદાજે 35 સાયન્સ કોલેજમાં 14 હજારથી વધારે બેઠકો ઉપલબ્ધ છે. ગતવર્ષે થયેલી પ્રવેશ પ્રક્રિયામાં 6 હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. ચાલુવર્ષે ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. મેડિકલ-ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે નીટ લેવાની બાકી છે. આ જ રીતે ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે જેઇઇ પણ બાકી છે. જેના કારણે જુલાઇ માસ પહેલાં મેડિકલ-ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ શકે તેમ નથી. આ સ્થિતિમાં માત્ર સાયન્સ કોલેજોમાં પ્રવેશ મેળવવા ઇચ્છતાં હોય તેમના માટે પણ કાર્યવાહી શરૂ કરવી કે કેમ તેની દ્વિધા ઊભી થઇ છે. કારણ કે મેડિકલ-ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થઇ ન હોવાથી તમામ વિદ્યાર્થીઓ સાયન્સ કોલેજમાં પ્રવેશ મેળવી લેતાં હોય છે, મેડિકલ-ઇજનેરીની પ્રક્રિયા શરૂ થયા બાદ સાયન્સ કોલેજમાં મેળવેલા પ્રવેશ રદ કરાવી દેવામાં આવે છે. આમ, સરવાળે સાયન્સ કોલેજોની બેઠકો મોટી સંખ્યામાં ખાલી પડતી હોય છે.

સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન વિજ્ઞાન અને વિનિયન કોલેજોમાં ગતવર્ષે આ જ પ્રકારની કાર્યવાહીના કારણે 6 હજારથી વધારે બેઠકો ખાલી પડી હતી. ભૂતકાળમાં સાયન્સ પ્રવેશ સમિતિ દ્વારા મેડિકલ-ઇજનેરીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થાય ત્યારબાદ જ સાયન્સ કોલેજમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવી જોઇએ તેવી દરખાસ્ત પણ કરી હતી. જોકે, આ દરખાસ્ત પર કોઇ નિર્ણય કરાયો નહોતો. ચાલુ વર્ષે યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન પ્રવેશ પ્રક્રિયા કઇ એજન્સીને સોંપવી તે નક્કી કરવા માટે આગામી દિવસોમાં ટેન્ડર બહાર પાડવાનું નક્કી કર્યું છે. ટેન્ડરિંગની પ્રક્રિયા જ મેના અંત સુધીમાં પૂરી થાય તેમ હોવાથી હવે સાયન્સ કોલેજોમાં પ્રવેશ માટે પણ મેના અંતમાં અથવા તો જૂનના પ્રથમ સપ્તાહ પછી જ રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવી પડે તેમ છે. મહત્વની વાત એ કે સાયન્સમાં ગતવર્ષે 50 ટકા બેઠકો ખાલી હોવા છતાં આ વર્ષે પણ આ પ્રકારની સ્થિતિ ન સર્જાઇ તે માટે કોઇ આયોજન કરવામાં આવ્યું નથી.