Site icon Revoi.in

એક દાયકા પછી ગુજરાતમાં ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડના બચ્ચાનો સફળ જન્મ

Social Share

ભૂજ, 28 માર્ચ 2026: ગુજરાતના કચ્છમાં વન્યજીવન સંરક્ષણના ક્ષેત્રમાં એક અભૂતપૂર્વ અને ગૌરવશાળી સીમાચિહ્ન પ્રસ્થાપિત થયું છે. અતિશય દુર્લભ ગણાતા ‘ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ’ અથવા તો ઘોરાડ પક્ષીના સંરક્ષણ માટે અમલી બનાવાયેલા ‘જમ્પસ્ટાર્ટ એપ્રોચ’ પ્રોજેક્ટ હેઠળ કચ્છમાં એક દાયકાના લાંબા વિરામ બાદ નવા બચ્ચાનો જન્મ થયો છે. કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આ સફળતાને ભારતની વન્યજીવ પ્રતિબદ્ધતાની મોટી જીત ગણાવી છે.

કચ્છના ઘાસના મેદાનોમાં અત્યારે માત્ર ત્રણ માદા ઘોરાડ બચી છે અને નર પક્ષીની ગેરહાજરીને કારણે કુદરતી રીતે ફળદ્રુપ ઈંડા મળવાની શક્યતા શૂન્ય હતી. આ સંજોગોમાં રાજસ્થાનના જેસલમેર (સમા) થી ગુજરાતના નલિયા સુધી 770 કિલોમીટરનું અંતર કાપીને ફળદ્રુપ ઈંડું લાવવાનું સાહસિક આયોજન કરાયું હતું. રસ્તામાં કોઈ આંચકો ન લાગે તે માટે અવરોધ-મુક્ત કોરિડોર બનાવી, 19 કલાક સુધી હેન્ડહેલ્ડ પોર્ટેબલ ઇન્ક્યુબેટરમાં આ ઈંડાનું રોડ માર્ગે પરિવહન કરવામાં આવ્યું હતું. 22 માર્ચે ઈંડું લાવ્યા બાદ, તેને કચ્છમાં રહેલી માદા ઘોરાડના માળામાં મૂકવામાં આવ્યું હતું. આ માદા પક્ષીએ ઈંડાને સ્વીકારી તેનું સેવન કર્યું અને 26 માર્ચે સફળતાપૂર્વક બચ્ચું બહાર આવ્યું હતું.

મંત્રી ભૂપેન્દ્ર યાદવે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૧માં આ પ્રજાતિને બચાવવા માટે જે વિઝન રાખ્યું હતું, તે હવે સાકાર થઈ રહ્યું છે. વર્ષ 2016માં વિધિવત રીતે શરૂ થયેલો ‘પ્રોજેક્ટ GIB’ આજે વસ્તી વૃદ્ધિની દિશામાં મક્કમ ડગલાં ભરી રહ્યો છે. હાલમાં રાજસ્થાનના સંવર્ધન કેન્દ્રોમાં ઘોરાડની સંખ્યા વધીને 73પર પહોંચી ગઈ છે, જેમાં ચાલુ સીઝનમાં જ પાંચ નવા બચ્ચાઓનો ઉમેરો થયો છે.

આ ઓપરેશનમાં ભારતીય વન્યજીવન સંસ્થાન, ગુજરાત અને રાજસ્થાનના વન વિભાગો તથા કેન્દ્રીય વન મંત્રાલયે સંયુક્ત રીતે કામ કર્યું હતું. ફીલ્ડ મોનિટરિંગ ટીમ સતત આ નવા બચ્ચા પર નજર રાખી રહી છે અને હાલમાં માદા પક્ષી કુદરતી રીતે જ તેનું જતન કરી રહી છે. નિષ્ણાતોના મતે, આ સફળતા ભવિષ્યમાં આ પક્ષીઓને ફરીથી કુદરતી રીતે જંગલોમાં છોડવાની યોજના માટે પાયાનો પથ્થર સાબિત થશે.

આ પણ વાંચોઃ ઓડિશાના નયાગઢમાં ભયાનક માર્ગ અકસ્માતમાં પાંચ લોકોના મોત, 40 થી વધુ ઘાયલ

 

Exit mobile version