નવી દિલ્હી, 14 એપ્રિલ 2026: એપ્રિલ મહિનો જેમ-જેમ આગળ વધી રહ્યો છે, તેમ-તેમ સૂર્યનારાયણ આકરા પાણીએ જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 થી 5 દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં મહત્તમ તાપમાનમાં 3 થી 6° ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. મધ્ય ભારત અને પશ્ચિમ ભારતના કેટલાક શહેરોમાં તો અત્યારથી જ પારો 40 ડિગ્રી ને વટાવી ગયો છે.
રાજધાની દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં ગરમીનું જોર વધી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 17 એપ્રિલ સુધીમાં દિલ્હીમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં સૌથી વધુ તાપમાન મહારાષ્ટ્રના અકોલામાં 43.1 ડિગ્રી નોંધાયું હતું. ઉત્તર ભારતના લોકોએ હવે કાળઝાળ ગરમી અને લૂ માટે તૈયાર રહેવું પડશે.
દેશના અનેક હિસ્સાઓમાં સમય પહેલા જ હીટવેવની સ્થિતિ સર્જાઈ છે. હવામાન વિભાગે 14, 15 અને 16 એપ્રિલ દરમિયાન નીચેના રાજ્યોમાં ‘હીટવેવ’ની ચેતવણી આપી છે. ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, બિહાર, ઝારખંડ, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે.
ગરમીના આ પ્રકોપને જોતા મહારાષ્ટ્ર સરકારે આઉટડોર કામ કરતા શ્રમિકો માટે ખાસ એસઓપી જાહેર કરી છે. જે મુજબ ઓરેન્જ કે રેડ એલર્ટ દરમિયાન બપોરે 12 થી 4 વાગ્યા સુધી કામ બંધ રાખવા અને કામના કલાકો સવાર-સાંજ ગોઠવવા સૂચના આપી છે.
ભારતમાં અત્યારે હવામાનની બેવડી અસર જોવા મળી રહી છે. એક તરફ ઉત્તર અને મધ્ય ભારત ગરમીમાં શેકાઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ પૂર્વોત્તર રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 એપ્રિલ સુધી આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. તેમજ અરુણાચલ પ્રદેશ અને આસામના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની પણ સંભાવના છે.
આ પણ વાંચોઃ મુંબઈઃ લાઈવ કોન્સર્ટ બાદ બે વિદ્યાર્થીઓના મોત, ડ્રગ્સ ઓવરડોઝની આશંકા

