મુંબઈઃ લાઈવ કોન્સર્ટ બાદ બે વિદ્યાર્થીઓના મોત, ડ્રગ્સ ઓવરડોઝની આશંકા
મુંબઈ, 14 એપ્રિલ 2026: માયાનગરી મુંબઈના ગોરેગાંવ વિસ્તારમાં આવેલા નેસ્કો સેન્ટરમાં આયોજિત એક હાઈ-પ્રોફાઈલ લાઈવ કોન્સર્ટ પાર્ટી બાદ બે યુવાનોના મોતે ચકચાર મચાવી દીધી છે. 11 એપ્રિલની રાત્રે યોજાયેલી આ પાર્ટીમાં ડ્રગ્સ અને દારૂના બેફામ સેવનને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે.
મળતી માહિતી મુજબ, કોન્સર્ટ દરમિયાન કેટલાક યુવાનોની તબિયત અચાનક લથડી હતી, જેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન 20 થી 25 વર્ષની વયના એક યુવક અને એક યુવતીનું મોત નીપજ્યું છે. આ બંને મૃતકો પ્રતિષ્ઠિત એમબીએ કોલેજના વિદ્યાર્થીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત, અન્ય એક યુવતીની હાલત ગંભીર છે અને તે હાલ આઈસીયુમાં જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે.
વનરાઈ પોલીસ આ મામલે અત્યંત ગંભીરતાથી તપાસ કરી રહી છે. અત્યાર સુધીમાં આ કેસમાં કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઈવેન્ટ ઓર્ગેનાઈઝર અને મેનેજમેન્ટ સાથે જોડાયેલા લોકોનો સમાવેશ થાય છે. પોલીસ દ્વારા આકાશ સામાલ, વિનોદ જૈન, પ્રતીક પાંડે, આનંદ પટેલ, રૌનક ખંડેલવાલ અને બાલકૃષ્ણ કુરુપની ધરપકડ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. પોલીસે બે કોલેજ સ્ટુડન્ટ્સની પણ અટકાયત કરી છે અને તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, પ્રાથમિક દ્રષ્ટિએ આ ‘ડ્રગ્સ ઓવરડોઝ’નો મામલો જણાય છે. જોકે, મોતનું સાચું કારણ ફોરેન્સિક અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. તપાસના ભાગરૂપે પાર્ટીમાં હાજર અન્ય યુવાનોના બ્લડ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં 15 થી 20 લોકોના નિવેદન નોંધવામાં આવ્યા છે.
પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે આ કોન્સર્ટ માટે જરૂરી મંજૂરીઓ લેવામાં આવી હતી કે નહીં? જો પરવાનગી હતી, તો કઈ શરતો પર? આ ઈવેન્ટની ટિકિટો ઓનલાઈન અને ઓફલાઈન મોટા પાયે વેચાઈ હતી, જેમાં મુંબઈની જાણીતી કોલેજોના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.
આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટના જંગમાં હવે ચીનની એન્ટ્રી: શી જિનપિંગે રજૂ કર્યો શાંતિ મંત્રનો 4-પોઈન્ટ ફોર્મ્યુલા


