Site icon Revoi.in

સુપ્રીમ કોર્ટ તરફથી શ્વાનપ્રેમીઓને ઝટકો: અગાઉના આદેશમાં ફેરફારની માગ કરતી અરજી ફગાવી

Social Share

નવી દિલ્હી, 19 મે, 2026: દેશમાં શ્વાન કરડવાના (ડૉગ બાઇટ) વધતા જતા બનાવો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરતાં સુપ્રીમ કોર્ટે જાહેર સ્થળો પરથી રખડતા શ્વાનોને હટાવવાના પોતાના અગાઉના નિર્ણયને યથાવત રાખ્યો છે. દેશની સર્વોચ્ચ અદાલતે શ્વાનપ્રેમીઓ (ડૉગ લવર્સ) દ્વારા દાખલ કરવામાં આવેલી એ અરજીને સદંતર ફગાવી દીધી છે, જેમાં શાળા, કોલેજ, હોસ્પિટલ, રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડ જેવા જાહેર સ્થળો પરથી રખડતા શ્વાનોને હટાવવાના અગાઉના આદેશમાં સુધારો કરવાની માગ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, એનિમલ બર્થ કંટ્રોલ (એબીસી – શ્વાન વંધ્યીકરણ) કાર્યક્રમનો અસરકારક અમલ ન થવાને કારણે આ સમસ્યા વધુ ગંભીર બની રહી છે.

અદાલતે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, રખડતા શ્વાન કરડવાની ઘટનાઓ સતત વધી રહી છે અને હવે આ એક અત્યંત ગંભીર સમસ્યા બની ચૂકી છે. સુપ્રીમ કોર્ટે ચોંકાવનારા આંકડા ટાંકતા જણાવ્યું કે, રાજસ્થાનના શ્રીગંગાનગર શહેરમાં માત્ર એક જ મહિનામાં કૂતરા કરડવાના 1084 કેસ નોંધાયા છે, જેમાં કેટલાય નાના બાળકોના ચહેરા પર ગંભીર ઇજાઓ પહોંચી છે. આ ઉપરાંત તમિલનાડુમાં વર્ષના પ્રથમ ચાર મહિનામાં જ અંદાજે બે લાખ જેટલા શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે. કોર્ટે ઉમેર્યું કે, દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ (આઇજીઆઇ) સહિત દેશના વ્યસ્ત એરપોર્ટ્સ પર પણ શ્વાન કરડવાની ઘટનાઓ બની રહી છે. તાજેતરમાં સુરતમાં પણ એક જર્મન પ્રવાસીને કૂતરાએ હુમલો કરીને કરડ્યું હતું. આવી ઘટનાઓ શહેરી વહીવટીતંત્ર અને સુશાસન પરથી જનતાનો વિશ્વાસ ડગમગાવી રહી છે.

સુપ્રીમ કોર્ટે 22 ઓગસ્ટ અને 7 નવેમ્બર 2025ના રોજ જારી કરેલા પોતાના નિર્દેશોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ કડક આદેશો છતાં પાયાના સ્તરે કોઈ નક્કર કામગીરી જોવા મળી નથી. કોર્ટે કડક ચેતવણી આપી છે કે જો રાજ્ય સરકારો અને સંબંધિત સત્તાવાળાઓ આ નિર્દેશોનું પાલન નહીં કરે, તો તેમની સામે અદાલતની અવમાનના (કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ), શિસ્તભંગના પગલાં અને વ્યક્તિગત જવાબદારી નક્કી કરવામાં આવશે. બીજી તરફ, શ્વાનપ્રેમીઓએ પોતાની અરજીમાં એવી દલીલ કરી હતી કે રખડતા શ્વાનોને જાહેર સ્થળો પરથી હટાવવાનો આદેશ ખૂબ જ કઠોર છે અને તેનાથી શ્વાનના અધિકારોનું હનન થઈ રહ્યું છે. તેમણે આદેશ બદલવા અને એબીસી (વંધ્યીકરણ) કાર્યક્રમને વધુ અસરકારક બનાવવા પર ભાર મૂક્યો હતો.

જો કે, સુપ્રીમ કોર્ટે આ તમામ દલીલોને અમાન્ય રાખીને જનહિત અને જાહેર સુરક્ષાને સર્વોપરી ગણાવી છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં રખડતા શ્વાનોની વધતી સંખ્યા અને તેમના હુમલાઓએ છેલ્લા કેટલાક વર્ષોમાં મોટી આફત ઊભી કરી છે. દેશના વિવિધ રાજ્યોમાંથી બાળકો અને વૃદ્ધો પર શ્વાનના જીવલેણ હુમલાના અહેવાલો સતત સામે આવી રહ્યા છે. આ સ્થિતિને ગંભીરતાથી લઈને સુપ્રીમ કોર્ટે તમામ રાજ્ય સરકારોને એબીસી પ્રોગ્રામ ચુસ્તપણે લાગુ કરવા અને રખડતા શ્વાનોની વસ્તી નિયંત્રિત કરવા માટે તાકીદે નક્કર પગલાં ભરવા આદેશ આપ્યો છે.

આ પણ વાંચોઃ મહારાષ્ટ્રના પાલઘરમાં કન્ટેનર અને આઇશર ટ્રક વચ્ચે અકસ્માત, 13 લોકોના મોત

Exit mobile version