Site icon Revoi.in

નેપાળની જેલમાંથી કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને રાહત, મુક્ત કરવા સુપ્રીમ કોર્ટનો આદેશ

Social Share

નવી દિલ્હીઃ નેપાળની જેલમાં બંધ કુખ્યાત બિકીની કિલર ચાર્લ્સ શોભરાજને જેલમાંથી મુક્ત કરવાનો નેપાળની સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે. વિદેશી પ્રવાસીઓની હત્યા કેસમાં પોલીસે તેને ઝડપી લઈને જેલના સળિયા પાછળ ધકેલી લીધો હતો. લગભગ 19 વર્ષના જેલવાસ બાદ તેને મુક્ત કરવાનો નિર્ણય લેવાયો હતો. શોભરાજ વેશ બદલવામાં માહિર હોવાની સાથે વિવિધ ભાષાઓ જાણતો હતો.

સુત્રોના જણાવ્યા અનુસાર બે અમેરિકી પર્યટકોની હત્યાનો દોષી ચાર્લ્સ શોભરાજ 2003ની સાલથી નેપાળની જેલમાં બંધ હતો. દરમિયાન સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ સપના પ્રધાન મલ્લા અને તિલ પ્રસાદ શ્રેષ્ઠની બેચે તેને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો.

શોભરાજે નિર્ધારિત સમય કરતા જેલમાં વધુ સમય વિતાવ્યો હોવાથી તેને છોડી મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેને મુક્ત કરવાના આદેશ સાથે તેને 15 દિવસમાં દેશનિકાલ કરવાનો હુકમ કર્યો હતો.

શોભરાજનો જન્મ 1944માં વિયેતનામમાં થયો હતો. તેની માતા વિયેતનામની હતી, જ્યારે તેના પિતા ભારતીય મૂળના હતા. માતા-પિતાના ડિવોર્સ બાદ શોભરાજની દેખરેખ તેની માતા અને તેના ફ્રેંચ પિતાએ કરી હતી. તેણે પોતાની જિંદગી એશિયા અને ફ્રાંસમાં વિતાવી હતી. 70 ના દશકમાં ભારત, થાઈલેન્ડ, તુર્કી અને ઈરાનમા 20થી વધુ વ્યકિતઓની હત્યાનો તેની ઉપર આરોપ લાગ્યો હતો. દક્ષિણપૂર્વ એશિયામાં તેણે 12થી વધુ પર્યટકોને પાણીમાં ડૂબાડી, ગળુ દબાવી, ચપ્પુ મારી અને સળગાવીને મારી નાખ્યા હતાં.