Site icon Revoi.in

સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

Social Share

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતના ખજોદ ખાતે સાકાર થયેલા રાજ્યના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ ‘સુરત ડાયમંડ બુર્સ’ની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રીએ અહીં બુર્સની કોર કમિટીના સભ્યો, સુરતમહાનગરપાલિકા તથા સુડાના અધિકારીઓ સાથે બેઠક યોજી સુરત ડ્રીમ સીટી પ્રોજેક્ટની પ્રગતિની વિગતો મેળવી હતી. આ સાથે મુખ્યમંત્રીએ ‘સુરત ડાયમંડ બુર્સ’ સંબંધિત પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.

બેઠક દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે,  સુરતનું ડાયમંડ બુર્સ વિશ્વનું સૌથી વિશાળ કોર્પોરેટ ઓફિસ હબ બનશે. અહિયાં દેશવિદેશના ડાયમંડ વેપારીઓને વિશ્વ કક્ષાનું એક નવું વ્યાપાર કેન્દ્ર મળશે. જેનો સીધો લાભ રાજ્ય અને દેશના અર્થતંત્રને થવાની સાથે હજારો લોકોને રોજગારીના અવસરો પણ  મળશે. રાજ્ય સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન થકી ઉદ્યોગ મૈત્રીપૂર્ણ અભિગમ થી હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે. ડાયમંડ બુર્સના નિર્માણ બાદ સુરતમાં હીરાનું મોટા પાયે ખરીદવેચાણ થશે. અને દેશવિદેશમાં સુરતનું નામ ડાયમંડ ટ્રેડિંગમાં ઉચ્ચ શિખરે પહોંચશે એમ જણાવી સુરતના ડાયમંડ બુર્સ પ્રગતિના શિખરો સર કરે એવી શુભેચ્છાઓ પાઠવી હતી અને રાજ્ય સરકાર આ માટે હરહંમેશ મદદરૂપ થશે.  આ પ્રસંગે જિલ્લા કલેકટર આયુષ ઓક, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, પોલિસ કમિશનર અજય તોમર, સુડાના સી.ઈ.ઓ., સુરત ડાયમંડ બુર્સના મથુરભાઈ સવાણી, સવજીભાઈ ધોળકિયા, બુર્સ કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.