Site icon Revoi.in

તમિલનાડુ: કે. અન્નામલાઈના નવા આંદોલનને 10 કલાકમાં 10 લાખ લોકોનું સમર્થન

Social Share

ચેન્નઈ, 6 જૂન 2026: દક્ષિણ ભારતના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેત જોવા મળી રહ્યાં છે. તમિલનાડુ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્રીય નેતૃત્વ સાથે વૈચારિક મતભેદોને કારણે પક્ષને અલવિદા કહ્યા બાદ તેમણે તુરંત જ પોતાના નવા રાજકીય આંદોલનની જાહેરાત કરી છે, જેને જનતા તરફથી રેકોર્ડબ્રેક પ્રતિસાદ મળ્યો છે. ભાજપમાંથી બહાર નીકળતાની સાથે જ અન્નામલાઈએ ‘ઇધુ નમ્મા ઇયક્કમ’ (આ આપણું આંદોલન છે) નામના નવા રાજકીય સંગઠનનું રણશિંગું ફૂંક્યું છે. આ અભિયાનની શરૂઆત એટલી ધમાકેદાર રહી છે કે માત્ર 10 કલાકની અંદર જ 10 લાખથી વધુ લોકોએ ડિજિટલ માધ્યમથી આ આંદોલનના સભ્ય તરીકે નોંધણી કરાવી લીધી છે. દક્ષિણના રાજકારણમાં કોઈ બિન-દ્રવિડિયન પૃષ્ઠભૂમિ ધરાવતા નેતા માટે આ પ્રકારનો જનસમર્થન અભૂતપૂર્વ માનવામાં આવી રહ્યો છે.

પોતાના આ નવા મિશનની અસાધારણ સફળતા અંગે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર ખુશી વ્યક્ત કરતા અન્નામલાઈએ જણાવ્યું કે, “માત્ર 10 કલાકમાં 10 લાખથી વધુ કાર્યકર્તાઓનું ડિજિટલ રજીસ્ટ્રેશન એ આપણા સામૂહિક વિઝન અને મિશનમાં તમિલનાડુની જનતાના વધતા જતા અડગ વિશ્વાસનો એક શક્તિશાળી પુરાવો છે.” અન્નામલાઈના આ નવા પ્રવાસની સફળતા માટે તેમના ઉત્સાહી સમર્થકો અને કાર્યકર્તાઓએ કાંચીપુરમના પ્રખ્યાત અને ઐતિહાસિક કામાક્ષી અમ્મન મંદિરમાં વિશેષ પૂજા-અર્ચના તેમજ મહાઆરતીનું પણ આયોજન કર્યું હતું. બીજી તરફ, દિલ્હી સ્થિત હાઈકમાન્ડ વતી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીને અન્નામલાઈનું રાજીનામું સ્વીકારી લીધું છે.

અન્નામલાઈએ પોતાના સત્તાવાર રાજીનામા પત્રમાં પક્ષના વરિષ્ઠ નેતૃત્વ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો. જો કે, તેમણે પક્ષ છોડવાનું મુખ્ય કારણ સ્પષ્ટ કરતા લખ્યું કે, તમિલનાડુના સ્થાનિક રાજકીય સંદર્ભ અને પ્રાદેશિક મુદ્દાઓ અંગે તેમના વિચારો ભાજપના કેન્દ્રીય નેતૃત્વના વિચારો સાથે મેળ ખાતા નહોતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આ આખરી નિર્ણય લેવાના બરાબર ત્રણ દિવસ પહેલા જ અન્નામલાઈએ નવી દિલ્હીની હાઈપ્રોફાઈલ મુલાકાત લીધી હતી. જ્યાં તેમણે ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન નવીન, સંગઠન મહાસચિવ બી.એલ. સંતોષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બંધ બારણે લાંબી બેઠક કરી હતી. આ બેઠકમાં જ તેમણે પોતાના આગામી કદમ અંગે સંકેત આપી દીધા હોવાનું મનાય છે.

તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ અન્નામલાઈ ભાજપથી નારાજ હોવાની અને નવી રાજકીય પાર્ટી બનાવશે તેવી અટકળો રાજકીય વર્તુળોમાં તેજ થઈ ગઈ હતી. ચૂંટણીમાં AIADMK (અન્નાદ્રમુક) સાથે ગઠબંધન કરીને ૨૭ બેઠકો પર ચૂંટણી લડવા છતાં, અન્નામલાઈના આક્રમક પ્રચાર છતાં ભાજપને રાજ્યમાં માત્ર ૩ ટકા વોટ શેરથી જ સંતોષ માનવો પડ્યો હતો. આ નબળા પ્રદર્શન બાદ સ્થાનિક સ્તરે અને કેન્દ્રીય નેતૃત્વ વચ્ચે સ્ટ્રેટેજીને લઈને અણબનાવ વધ્યો હતો. અન્નામલાઈના આ મોટા નિર્ણયની સાથે જ તમિલનાડુ ભાજપમાં એક મોટો આંતરિક વિખવાદ અને કટોકટી સર્જાઈ છે. રાજ્ય સ્તરે પક્ષમાં મોટા પાયે રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. અન્નામલાઈના સમર્થનમાં તમિલનાડુ ભાજપના પ્રદેશ ઉપપ્રમુખ કરુ નગરજન અને BJYM (યુવા મોરચા) ના રાજ્ય કાનૂની સંયોજક અભિલાષ ગોપીનાથન સહિત 15 થી વધુ વરિષ્ઠ અને કદાવર હોદ્દેદારોએ પણ પોતાના પદો પરથી સાગમટે રાજીનામા ધરી દીધા છે.

આ તમામ બળવાખોર નેતાઓએ સંયુક્ત નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, તેઓ ભાજપ સાથેના તમામ સંબંધો તોડીને આ નવી રાજકીય સફરમાં અન્નામલાઈની પાછળ ખડકની જેમ મજબૂતીથી ઉભા રહેશે. રાજકીય વિશ્લેષકોના મતે, અન્નામલાઈનો આ બળવો આગામી દિવસોમાં તમિલનાડુના ત્રિપાંખીયા જંગને વધુ રસપ્રદ બનાવશે.

Exit mobile version