Site icon Revoi.in

કુલગામમાં ટાર્ગેટ કિલીંગઃ આતંકીઓએ બે શ્રમિકોના નામ પૂછીને ગોળી મારી કરી હત્યા

Social Share

શ્રીનગર, 1 ઓગસ્ટ 2028: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ ફરી એકવાર બિન-સ્થાનિક શ્રમિકોને નિશાન બનાવીને ભય ફેલાવવાની કાયરતાપૂર્ણ હરકત કરી છે. કેલ્લામ વિસ્તારમાં આવેલા એક ઈંટ-ભઠ્ઠા પર કામ કરી રહેલા છત્તીસગઢના બે હિન્દુ શ્રમિકોની આતંકીઓએ ઓળખ પૂછીને નિર્દયતાથી ગોળી મારી હતી. આ હ્રદયદ્રાવક ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને સુરક્ષાદળો દ્વારા આતંકીઓને પકડવા માટે મેગા સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. દક્ષિણ કાશ્મીરમાં છેલ્લા 10 દિવસની અંદર આ બીજો મોટો આતંકી હુમલો છે, જેના કારણે સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, કુલગામના કેલ્લામ વિસ્તારમાં શુક્રવારે મોડી સાંજે આતંકીઓએ ઈંટ-ભઠ્ઠા પર કામ કરતા શ્રમિકો પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ પહેલા બંને શ્રમિકોની ઓળખ વિશે પૂછપરછ કરી અને ત્યારબાદ તેમના પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ હુમલામાં છત્તીસગઢના રહેવાસી બે શ્રમિકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મૃતકોની ઓળખ 24 વર્ષીય દીપક રાત્રે અને 28 વર્ષીય ભોપિન્દર તરીકે થઈ છે. યુવાન દીપક રાત્રેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ગંભીર રીતે ઘાયલ ભોપિન્દરને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બાદમાં તેમની નાજુક સ્થિતિને જોઈને તેમને શેર-એ-કાશ્મીર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સિસ (SKIMS) ખાતે રીફર કરવામાં આવ્યા હતા. તબીબોના જણાવ્યા અનુસાર, ભોપિન્દરની છાતીના જમણા ભાગમાં ગોળી વાગી હતી. શનિવારે સારવાર દરમિયાન તેમણે પણ હોસ્પિટલમાં જ અંતિમ શ્વાસ લીધા હતા.

આ હુમલા પાછળ પ્રતિબંધિત આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાની છત્રછાયા હેઠળ કામ કરતા ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નો હાથ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે. શુક્રવારે રાત્રે આશરે 8.30 વાગ્યે આતંકીઓએ આ ખૂની ખેલ ખેલો હતો. સુરક્ષા એજન્સીઓ હાલ આ ઘટનાની તમામ એંગલથી ઝીણવટભરી તપાસ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં જ ભારતીય સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને અન્ય સુરક્ષા એજન્સીઓ ઘટનાસ્થળે દોડી આવી હતી અને આખા વિસ્તારને ચારેય બાજુથી ઘેરી લીધો હતો. ગુપ્તચર ઇનપુટ્સના આધારે આતંકીઓની ભાળ મેળવવા માટે મોટા પાયે કોમ્બિંગ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. શંકાસ્પદ ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.

દક્ષિણ કાશ્મીર ક્ષેત્રમાં છેલ્લા દસ દિવસમાં આ બીજો મોટો આતંકી હુમલો છે. આ પહેલા 22 જુલાઈએ અનંતનાગના લાલ ચોક વિસ્તારમાં આતંકીઓએ હેડ કોન્સ્ટેબલ આશિક હુસેન કુરેશીની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. શહીદ આશિક હુસેન આઈઆર ત્રીજી બટાલિયનમા તૈનાત હતા અને તે સમયે પવિત્ર અમરનાથ યાત્રાની સુરક્ષા ડ્યુટી સંભાળી રહ્યા હતા. ઘાટીમાં એપ્રિલ 2025માં થયેલા કુખ્યાત પહેલગામ આતંકી હુમલા બાદ સુરક્ષાદળો પર આ પ્રકારનો આ સૌથી મોટો હુમલો માનવામાં આવી રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પહેલગામની બૈસરન ઘાટીમાં થયેલા તે હુમલામાં આતંકીઓએ ધર્મના આધારે 26 પ્રવાસીઓની નિર્દયતાથી હત્યા કરી દીધી હતી. હવે કુલગામમાં બિન-સ્થાનિક શ્રમિકોને નિશાન બનાવવાની આ ઘટનાથી ફરી એકવાર કાશ્મીરમાં સુરક્ષાને લઈને ચિંતાના વાદળો ઘેરાયા છે.

છત્તીસગઢના મુખ્યમંત્રીએ આ કાયરતાપૂર્ણ આતંકી હુમલાની તીવ્ર શબ્દોમાં નિંદા કરી છે. તેમણે બંને શ્રમિકોના આકસ્મિક અવસાન પર ઊંડો શોક વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર આ મુશ્કેલ સમયમાં પીડિત પરિવારજનોની સાથે મજબૂતીથી ઊભી છે. જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલે પણ આ ઘટનાની આકરી ટીકા કરી છે. તેમણે પોલીસ મહાનિર્દેશક નલિન પ્રભાત અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને સમગ્ર ઘટનાની વિગતો મેળવી હતી. તેમણે સુરક્ષાદળોને સર્ચ ઓપરેશન વધુ આક્રમક બનાવવા અને આ કૃત્યમાં સંડોવાયેલા આતંકીઓને જલદીથી મોતને ઘાટ ઉતારવાના કડક નિર્દેશો આપ્યા છે.

કાશ્મીર ઘાટીમાં બહારથી રોજીરોટી રળવા આવતા મજૂરો પર હુમલા થવાની આ પહેલી ઘટના નથી. અગાઉ ફેબ્રુઆરી 2024માં પણ શ્રીનગરના શહીદગંજ વિસ્તારમાં આતંકીઓએ પંજાબના બે શ્રમિકોને ગોળીઓ હુમલો કર્યો હતો. આ પ્રકારના સતત થઈ રહેલા હુમલાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે આતંકી સંગઠનો ફરી એકવાર બિન-સ્થાનિક નાગરિકોમાં ડર અને દહેશતનો માહોલ પેદા કરવા માટે કાવતરાં રચી રહ્યા છે.

Exit mobile version