Site icon Revoi.in

મધ્યમ, લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરાશે: નારાયણ રાણે

Social Share

અમદાવાદઃ ભારત સરકારના સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગના મંત્રી નારાયણ રાણેએ ગુજરાતમાં કોયર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકોના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવાની મહેચ્છા વ્યકત કરી છે. રાણે કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં કોયર બોર્ડની બેઠકમાં હાજરી આવ્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરવાની સાથે, લોન પર મશીનરી ઉપલબ્ધ કરાવવામાં આવશે.

તેમણે જણાવ્યું હતું કે, કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા દરિયાકાંઠાના રાજ્યોની સરખામણીમાં ગુજરાત લાંબો દરિયાકાંઠો ધરાવતું રાજ્ય હોવા છતાં નાળિયેરના છોડાં, કાચલીઓ વગેરે આધારિત ઉત્પાદનોની પ્રવૃત્તિ ઘણી ઓછી છે. ખાસ ક્લસ્ટર બનાવી બોર્ડ ગુજરાતમાં પ્રવૃત્તિઓનો વ્યાપ વધારશે. બોર્ડ જે રાજ્યો દરિયાકાંઠે નથી એ રાજ્યોમાં નાળિયેર આધારિત કાચો માલ મોકલી, કારખાના સ્થાપિત કરી પ્રવૃત્તિઓનો લાભ આપશે અને રોજગારીના સર્જનમાં મદદરૂપ બનશે.

તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત ક્ષેત્રોના ઉદ્યોગોનું ટેકનોલોજી આધારિત નવીનીકરણ કરવાની સાથે, લોન પર મશીનરી ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ કામ નાણાં મંત્રાલયના સહયોગથી કરવામાં આવશે.

ગુજરાતમાં કોયર બોર્ડ આધારિત નાળિયેર સંબંધિત ઉત્પાદકીય પ્રવૃત્તિઓનો વ્યાપ વધારીને, રોજગારીની નવી તકના સર્જન સાથે રાજ્યના વિકાસમાં યોગદાન આપવા નાળિયેર આધારિત કાચો માલ, કારખાના સ્થાપિત કરવાની પ્રવૃત્તિઓ માટે ખાસ વિડિયો સીડી પણ લોન્ચ કરવામાં આવી હતી. તેમણે કૃષિ સુધારા અંગે સ્પષ્ટ મત આપ્યો હતો કે તે ખેડૂતો માટે લાભદાયક છે. આ કોન્ફરન્સમાં કોયર બોર્ડના ચેરમેન ડી. કપ્પુરામુ, સાંસદ  રંજનબેન ભટ્ટ તેમજ વડોદરાના મેયર કેયુરભાઈ રોકડિયા ઉપસ્થિત રહ્યા હતા.