Site icon Revoi.in

કિશ્તવાડ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાકિસ્તાની નીકળ્યા

Social Share

શ્રીનગર, 24 ફેબ્રુઆરી 2026: જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના છતરુ વિસ્તારમાં રવિવારે ભારતીય સેના સાથેના એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા જેશ-એ-મોહમ્મદના ત્રણ આતંકવાદીઓ અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. ગુપ્તચર એજન્સીઓના હાથમાં લાગેલી એક્સક્લુઝિવ વિગતો મુજબ, માર્યા ગયેલા આતંકીઓ કાશ્મીરી હોવાનો દાવો કરનાર પાકિસ્તાન અને તેની એજન્સી ISIનો પ્રોપેગેન્ડા ફરી એકવાર ધ્વસ્ત થયો છે.

તપાસમાં બહાર આવ્યું છે કે આ તમામ આતંકીઓ પાકિસ્તાની નાગરિકો હતા. તપાસમાં ખુલાસો થયો છે કે જે આતંકી ‘સૈફુલ્લાહ’ ના નામે જમ્મુ-કાશ્મીરમાં સક્રિય હતો, તેનું અસલી નામ અતીક-ઉર-રેહમાન છે. તે પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના એબટાબાદ જિલ્લાના નથિયા ગલી વિસ્તારના કેરી સરફલી ગામનો રહેવાસી હતો. તેણે બાલાકોટના મદરેસા તાલીમ-ઉર-કુરાનમાંથી આતંકની તાલીમ લીધી હતી. તે અગાઉ એબટાબાદની મસ્જિદ બાબ-અલ-ઈસ્લામમાં બાળકોને જેહાદ માટે ઉશ્કેરવાનું કામ કરતો હતો. વર્ષ 2021માં જેશ-એ-મોહમ્મદ દ્વારા તેને ભારત મોકલવાનું ષડયંત્ર રચાયું હતું.

એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા બીજા આતંકી ‘ફરમાન’ની ઓળખ ચૌધરી મુતાબીર હુસૈન તરીકે થઈ છે, જે પાકિસ્તાન હસ્તકના કાશ્મીર (PoK) ના રાવલકોટનો રહેવાસી છે. તેના પિતા ચૌધરી સાબિર પણ ‘હરકત-એ-મુજાહિદ્દીન’ના જૂના આતંકી રહી ચુક્યા છે અને અફઘાનિસ્તાનમાં સોવિયેત સંઘ સામે લડ્યા હતા. તેને જેશમાં ભરતી કરવાનું કામ કમાન્ડર મસૂદ ઇલયાસ કાશ્મીરીએ કર્યું હતું.

ગુપ્તચર અહેવાલો મુજબ, અતીક-ઉર-રેહમાન અને મુતાબીર હુસૈનને 47 આતંકીઓની એક વિશેષ બેચમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી. જેમાં તાજેતરમાં માર્યા ગયેલા આતંકી આદિલ ખાન, ચૌધરી ઉસ્માન અને અબુ માવિયા પણ સામેલ હતા. પાકિસ્તાની એજન્સી ISI એવો પ્રચાર કરી રહી હતી કે કાશ્મીરી યુવાનો જેશ-એ-મોહમ્મદમાં જોડાઈ રહ્યા છે અને સૈફુલ્લાહ પોતે એક કાશ્મીરી કમાન્ડર છે. જોકે, આ આતંકીઓની પાકિસ્તાની ઓળખ જાહેર થતાં પાકિસ્તાનનો આતંકી ચહેરો ફરી એકવાર દુનિયા સામે ખુલ્લો પડ્યો છે.

ભારતીય સુરક્ષા દળોએ જણાવ્યું છે કે આ આતંકીઓના માર્યા જવાથી વિસ્તારમાં જેશ-એ-મોહમ્મદના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે. હાલ સમગ્ર વિસ્તારમાં હજુ પણ સર્ચ ઓપરેશન ચાલુ છે.

આ પણ વાંચોઃ ભોજશાળા અંગે ASIનો ખુલાસો: મંદિરોના અવશેષો પર મસ્જિદ બની હોવાનો દાવો

Exit mobile version